કોરોના હવામાં ૨૦ મિનિટમાં જ ૯૦ ટકા ઓછો ચેપી બની જાય છે

13 January, 2022 10:14 AM IST  |  New York | Agency

જ્યાં આસપાસના વિસ્તારનો ભેજ સામાન્ય રીતે ૫૦ ટકાથી ઓછો હોય છે, વાઇરસ પાંચ સેકન્ડની અંદર અડધો ચેપી બની ગયો હતો, જે પછી ધીરે-ધીરે ચેપ લગાડવાની એની તાકાત ઘટતી ગઈ હતી. 

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસ હવામાં તરતો થયા બાદ ૨૦ મિનિટમાં જ ૯૦ ટકા ઓછો ચેપી બની જાય છે અને પાંચ મિનિટ બાદ સંક્રમિત કરવાની એની મોટા ભાગની તાકાત ગુમાવી દે છે. શ્વાસ વડે છોડવામાં આવ્યા બાદ આ જોખમી વાઇરસ કેવી રીતે ટકી રહે છે એ જાણવા માટે કરવામાં આવેલી એક નવી સ્ટડીમાં આ તારણ બહાર આવ્યું છે.
યુનિવર્સિટી ઑફ બ્રિસ્ટોલના ઍરોસોલ રિસર્ચ સેન્ટર દ્વારા પબ્લિશ કરવામાં આવેલ‌ી સ્ટડીનાં તારણોથી કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાના મહત્ત્વની વધુ એક વખત ખાતરી થાય છે. શ્વાસ વડે કોરોના વાઇરસને છોડવામાં આવ્યા બાદ હવામાં એ કેવી રીતે પ્રસાર થાય છે એવી અદ્દલ સ્થિતિ સર્જવાની આ પ્રકારની આ પહેલી સ્ટડી છે.  
આ સ્ટડીના લીડ ઓથર પ્રોફેસર જોનાથન રીડે જણાવ્યું હતું કે ‘લોકો ઓછા હવા-ઉજાસવાળી જગ્યાઓ પર ફોકસ કરે છે અને હવામાં આવ્યા બાદ વાઇરસ અમુક મીટર કે એક રૂમમાં જ પ્રસાર થશે એમ વિચારે છે. હું એમ નથી કહેતો કે એમ નથી થતું, પરંતુ હું માનું છું કે આમ છતાં સૌથી વધુ જોખમ તો તમે કોરોનાથી સંક્રમિત વ્યક્તિની નજીક હોય ત્યારે જ છે.’
જ્યારે વાઇરસ હવામાં તરવા લાગે છે ત્યારે એનું શું થાય છે એ સ્થિતિને સર્જવા માટે, સંશોધકોએ વાઇરસ ધરાવતા કણો ઉત્પન્ન કરવા માટે એક ઉપકરણ વિકસાવ્યું હતું. આ કણોને ચુસ્ત રીતે નિયંત્રિત વાતાવરણમાં પાંચ સેકન્ડથી ૨૦ મિનિટની વચ્ચે બે ઇલેક્ટ્રિક રિંગ્સ વચ્ચે તરવા દેવામાં આવ્યા હતા.
ઑફિસના એક ટિપિકલ વાતાવરણમાં, જ્યાં આસપાસના વિસ્તારનો ભેજ સામાન્ય રીતે ૫૦ ટકાથી ઓછો હોય છે, વાઇરસ પાંચ સેકન્ડની અંદર અડધો ચેપી બની ગયો હતો, જે પછી ધીરે-ધીરે ચેપ લગાડવાની એની તાકાત ઘટતી ગઈ હતી. 

ઓમાઇક્રોનને સામાન્ય શરદી-ખાંસી ન ગણો : સરકાર

કેન્દ્ર સરકારે ગઈ કાલે જણાવ્યું હતું કે ઇન્ડિયામાં ૩૦૦ જેટલા જિલ્લામાં કોરોના માટેનાં સૅમ્પલ્સના ટેસ્ટમાં વીકલી પૉઝિટિવિટી રેટ પાંચ ટકાથી વધારે છે. કેન્દ્ર સરકારે ઓમાઇક્રોન વેરિઅન્ટના કારણે થતા ઇન્ફેક્શનને સામાન્ય શરદી-ખાંસી ન ગણીને રસી મેળવવાની અપીલ કરી હતી. સાથે જ સરકારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, તામિલનાડુ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, કેરલા અને ગુજરાત ચિંતા જગાવતાં રાજ્યો તરીકે ઊભરી રહ્યાં છે, કેમ કે આ રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. 

ઓમાઇક્રોનને કારણે રોગચાળાનો આવશે અંત 

ધ હૅગ : યુરોપિયન યુનિયનના વૉચડૉગના જણાવ્યા પ્રમાણે ઓમાઇક્રોન વેરિઅન્ટના ફેલાવાને લીધે કોરોના મહામારી એના અંત સુધી પહોંચી જશે. જોકે હાલ તો મહામારી જ છે. યુરોપિયન મેડિસિન એજન્સી દ્વારા લોકોને ચોથો ડોઝ આપવા સામે શંકા વ્યક્ત કરાઈ છે. વારંવાર બૂસ્ટર ડોઝ આપવાથી વધુ લાભ નથી. વૅક્સિન સ્ટ્રૅટેજીના હેડ માર્કો કેવલેરીએ કહ્યું હતું કે ‘આ મહામારીનો અંત ક્યારે આવશે એની હાલમાં કોઈને ખબર નથી. જોકે ઓમાઇક્રોનને કારણે લોકોમાં કુદરતી રીતે જ રોગપ્રતિકારક શક્તિ વધી છે. એવું લાગે છે કે આ રોગચાળાનો અંત નજીક છે, પરંતુ હાલમાં તો રોગચાળાના વાવડ ચાલુ છે એ વાત ભૂલવી ન જોઈએ.’ 
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા પ્રમાણે આગામી બે મહિનામાં યુરોપના અડધાથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા હશે. જો દર ચાર મહિને વૅક્સિનના ડોઝ આપતા રહીશું તો આપણી રોગપ્રતિકારક શક્તિ પર પણ એની અવળી અસર પડશે. ઓમાઇક્રોન વેરિઅન્ટમાં હૉસ્પિટલમાં જવાની બહુ જ ઓછી જરૂર પડે છે.    

national news coronavirus covid19 covid vaccine