દેશમાં ફરી કોરોનાના કેસ વધ્યા:મહારાષ્ટ્રના ડેટાથી દૈનિક મરણાંક ૩૯૯૮ થતા ફફડાટ

22 July, 2021 11:17 AM IST  |  New Delhi | Agency

ગઈ કાલે સવાર સુધીના ૨૪ કલાકના સમયગાળામાં ૩૯૯૮ મોત નોંધાયાં છે. લાંબા સમયથી ૧૦૦૦ની નીચે કોરોનાનો દૈનિક મૃત્યુઆંક પહોંચ્યા પછી ફરી આંકડો ૪૦૦૦ને પાર પહોંચતા ફફડાટ વધ્યો છે.

દેશમાં ફરી કોરોનાના કેસ વધ્યા: મહારાષ્ટ્રના પૂર્ણ ડેટાથી દૈનિક મરણાંક ૩૯૯૮ થતા ફફડાટ

નવી દિલ્હી :  ભારતમાં કોરોનાના નવા કેસમાં ગઈ કાલે ૧૨૫ દિવસ પછી આંકડો ૩૦,૦૦૦ પર પહોંચ્યા બાદ ફરી નવા કેસની સંખ્યા ૪૦,૦૦૦ને પાર થઈ ગઈ હતી, જ્યારે મંગળવારે મૃત્યુઆંક ૪૦૦ની નીચે પહોંચ્યા બાદ ગઈ કાલે સવાર સુધીના ૨૪ કલાકના સમયગાળામાં ૩૯૯૮ મોત નોંધાયાં છે. લાંબા સમયથી ૧૦૦૦ની નીચે કોરોનાનો દૈનિક મૃત્યુઆંક પહોંચ્યા પછી ફરી આંકડો ૪૦૦૦ને પાર પહોંચતા ફફડાટ વધ્યો છે.
જોકે આ મરણાંકમાં ૧૦ ગણો વધારો થવાનું કારણ એ છે કે મહારાષ્ટ્રે કોવિડને લીધે રાજ્યમાં થયેલા મૃત્યુ સંબંધમાં અપૂર્ણ વિગતોને હવે પૂર્ણ સ્વરૂપ આપ્યું હોવાથી રાજ્યનો દૈનિક મરણાંક ૩૫૦૯ રહ્યો હતો અને એ રીતે રાષ્ટ્રીય સ્તરે કુલ દૈનિક મરણાંક વધીને ૩૯૯૮ રહ્યો હતો.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પાછલા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૪૨,૦૧૫ નવા કેસ નોંધાયા છે. જોકે દેશમાં પાછલા સળંગ ૩૦ દિવસથી દૈનિક પૉઝિટિવિટી રેટ ૨.૨૭ ટકા સાથે ૩ ટકા કરતાં નીચો રહ્યો છે.
ભારતમાં ૨૪ કલાકમાં વધુ ૩૬,૯૭૭ દરદીઓ સાજા થતા કુલ સાજા થયેલા દરદીઓની સંખ્યા વધીને ૩,૦૩,૯૦,૬૮૭ થઈ ગઈ છે, જ્યારે કોરોનાના કુલ સંક્રમિત દરદીઓની સંખ્યા ૩,૧૨,૧૬,૩૩૭ પહોંચી ગઈ છે. કુલ મૃત્યુઆંક વધીને ૪,૧૮,૪૮૦ થઈ ગયો છે.
ફરી એકવાર કોરોનાના સાજા થયેલા દરદીઓની સંખ્યા નવા કેસ કરતાં ઓછા નોંધાતા અૅક્ટિવ કેસ વધીને ૪,૦૭,૧૭૦ થઈ ગયા છે. ૧૬ જાન્યુઆરીએ ભારતમાં કોરોનાની રસી અભિયાનનો પ્રારંભ કરાયો હતો જેમાં ગઈ કાલ સુધીમાં કુલ વૅક્સિનેશનનો આંકડો ૪૧,૫૪,૭૨,૪૫૫ પર પહોંચી ગયો છે. દેશમાં કોરોના સામેની લડતને તેજ બનાવવા માટે વૅક્સિનેશન પર વધારે ભાર આપવામાં આવી રહ્યો છે.

new delhi national news