પ્રાદેશિક સ્થિરતા માટે ભારત અને મધ્ય એશિયા વચ્ચે સહકાર અનિવાર્યઃ પીએમ

28 January, 2022 10:19 AM IST  |  New Delhi | Agency

અફઘાનિસ્તાનની સ્થિતિ સિવાય આ પ્રદેશમાં ચીનના વધતા પ્રભાવના કારણે પણ ભારતે મધ્ય એશિયા પર એનું ફોકસ વધાર્યું છે. 

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા પછી પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા માટે ભારત અને મધ્ય એશિયાની વચ્ચેના સહકારનું મહત્ત્વ વધી ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મધ્ય એશિયાના પાંચ દેશો સાથેની ભારતની પ્રથમ સમિટનું અધ્યક્ષપદ સંભાળતાં આમ જણાવ્યું હતું. 
તેમણે વધુમાં કહ્યું હતું કે આ સમિટ સહકાર માટે અસરકારક માળખું પણ ઊભું કરશે. 
આ વર્ચ્યુઅલ સમિટમાં કઝાખસ્તાન, કિર્ગીઝસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અન ઉઝબેકિસ્તાનના પ્રમુખો જોડાયા હતા. આ સમિટમાં સહકાર માટેના ‘મહત્ત્વાકાંક્ષી રોડમૅપ’ તૈયાર કરવા માટે પણ પ્રયાસો થયા હતા. 
વાસ્તવમાં મધ્ય એશિયાના દેશોના નેતાઓ કોરોનાની મહામારીના કારણે ભારતના રિ​પબ્લિક ડેનાં સેલિબ્રેશન્સમાં હાજર ન રહી શક્યા હોવાના કારણે આ વર્ચ્યુઅલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાંચેય દેશોના નેતાઓને રિપબ્લિક ડેનાં સેલિબ્રેશન્સમાં મુખ્ય અતિથિ તરીકે આમં​ત્રિત કરવામાં આવ્યા હતા. 
આ છ દેશોની વચ્ચે અત્યારે ભારત-મધ્ય એશિયા સંવાદ નામની વિદેશ પ્રધાનોના સ્તરની એક વ્યવસ્થા છે જેની ત્રીજી મીટિંગ ડિસેમ્બરમાં ભારતની યજમાનગીરી હેઠળ યોજાઈ હતી. અફઘાનિસ્તાનની સ્થિતિ સિવાય આ પ્રદેશમાં ચીનના વધતા પ્રભાવના કારણે પણ ભારતે મધ્ય એશિયા પર એનું ફોકસ વધાર્યું છે. 
મોદીએ કહ્યું હતું કે ‘આપણને બધાને અફઘાનિસ્તાનના ઘટનાક્રમને લઈને ચિંતા છે. આ સંદર્ભમાં પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા માટે આપણો પરસ્પર સહકાર વધુ અનિવાર્ય થઈ ગયો છે.’

national news narendra modi