Constitution Day: PM મોદી કરશે ખાસ સભાને સંબોધન, કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ કરશે બહિષ્કાર

26 November, 2021 12:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન કાર્યાલયથી મળેલી માહિતી અનુસાર, બંધારણ દિવસના અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદમાં ચર્ચાનું ડિજિટલ સંસ્કરણ રજૂ કરશે.

પ્રતીકાત્મક તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંવિધાન દિવસની ઉજવણી નિમિત્તે શુક્રવારે સંસદ ભવન ખાતે એક વિશેષ સભાને સંબોધન કરશે. સેન્ટ્રલ હોલમાં યોજાનારી આ વિશેષ બેઠકની અધ્યક્ષતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. આ પછી પીએમ મોદી વિજ્ઞાન ભવનમાં બે દિવસીય બંધારણ દિવસની ઉજવણીની પણ શરૂઆત કરશે. મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા વિજ્ઞાન ભવનમાં બંધારણ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશો, તમામ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો અને અન્ય લોકો હાજર રહેશે.

વડાપ્રધાન કાર્યાલયથી મળેલી માહિતી અનુસાર, બંધારણ દિવસના અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદમાં ચર્ચાનું ડિજિટલ સંસ્કરણ રજૂ કરશે. આ ઉપરાંત ઓનલાઈન વર્ઝન પર બંધારણની નકલ પણ બહાર પાડવામાં આવશે. વદ પ્રધાનના કાર્યાલયે જણાવ્યું કે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ સંસદમાં આયોજિત કાર્યક્રમને સંબોધિત કરશે.

કોંગ્રેસના સાંસદો બંધારણ દિવસ નિમિત્તે સંસદમાં યોજાનાર કાર્યક્રમથી અંતર જાળવશે. કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ સિવાય TMC, RJD, DMK, CPI અને CPI-M પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. કોંગ્રેસનો આરોપ છે કે મોદી સરકાર સતત બંધારણ પર હુમલો કરી રહી છે અને બંધારણીય સંસ્થાઓને નબળી બનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં પાર્ટીના સંસદીય બાબતોના વ્યૂહાત્મક જૂથની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગયા વર્ષે પણ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો.

national news narendra modi congress