બીજેપીમાં જોડાયેલા કૉન્ગ્રેસીઓએ એક નહીં, બબ્બે વાર ભાંગરો વાટ્યો

28 June, 2020 05:18 PM IST  |  Mumbai Desk | Shailesh Nayak

બીજેપીમાં જોડાયેલા કૉન્ગ્રેસીઓએ એક નહીં, બબ્બે વાર ભાંગરો વાટ્યો

પ્રતીકાત્મક તસવીર

‘હું બીજેપી છોડીને કૉન્ગ્રેસમાં આવ્યો છું.’ ગુજરાતમાં પક્ષપલટો કરીને ગઈ કાલે વિધિવત્ બીજેપી (ભારતીય જનતા પાર્ટી)માં જોડાયા બાદ ધારી વિધાનસભા મતવિસ્તારમાંથી કૉન્ગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા ભૂતપૂર્વ વિધાનસભ્ય જે. વી. કાકડિયા ઉત્સાહમાં આવી ગયા અને આમ બોલી ગયા ત્યારે બીજેપીમાં યોજાયેલા પ્રવેશ-સમારોહમાં આવેલા સૌકોઈ હસી પડ્યા હતા. ગઈ કાલે જે. વી. કાકડિયા જ આવું બોલી ગયા એમ નહીં, કૉન્ગ્રેસમાંથી બીજેપીમાં જોડાયેલા ત્રણ ભૂતપૂર્વ વિધાનસભ્યોની પણ અતિઉત્સાહમાં જીભ લપસી ગઈ હતી. કોરોનાની મહામારી વચ્ચે ગઈ કાલે અમદાવાદ–ગાંધીનગર હાઇવે પર કોબા પાસે આવેલા ગુજરાત બીજેપીના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે કૉન્ગ્રેસના પાંચ ભૂતપૂર્વ વિધાનસભ્યો વિધિવત્ બીજેપીમાં જોડાયા હતા. બીજેપીમાં જોડાયા બાદ પ્રસંગોચિત્ત વાત કરતાં કેટલાક નેતાઓની જીભ લપસી પડી હતી. ધારીના ભૂતપૂર્વ વિધાનસભ્ય જે. વી. કાકડિયાએ આક્ષેપ કરતાં કહ્યું કે ‘હું કૉન્ગ્રેસને વફાદાર રહેતો હતો. કૉન્ગ્રેસ સારી હતી, પણ અત્યારે જે વહીવટકર્તા છે તે છેલ્લી કક્ષાના છે એટલા માટે હું બીજેપી છોડીને કૉન્ગ્રેસમાં આવ્યો છું.’ આમ બોલતાં જ ઉપસ્થિત સૌકોઈ હસી પડ્યા હતા. પોતે શું બોલી ગયા એની જાણ થતાં કાકડિયાએ ‘સૉરી... સૉરી... સૉરી...’ કહીને ભૂલ સુધારી લેતાં કહ્યું હતું, ‘કૉન્ગ્રેસ છોડીને બીજેપીમાં આવ્યો છું.’ બીજી તરફ કરજણ વિધાનસભા મતવિસ્તારમાંથી કૉન્ગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા અક્ષય પટેલે પક્ષપલટો કરીને બીજેપીમાં જોડાયા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને બદલે પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ અમિત ચાવડાનું નામ લેતાં કહ્યું હતું કે ‘આજે આખા ભારત દેશનું નેતૃત્વ ગુજરાતના બે સપૂત માનનીય નરેન્દ્રભાઈ મોદીસાહેબ અને અમિત ચાવડાસાહેબ કરતા હોય...’ આમ બોલતાં જ કોઈકે તેમને કહ્યું, ‘અમિત ચાવડા નહીં, અમિત શાહ’ અને બધા હસી પડ્યા હતા. અક્ષય પટેલે ભૂલ સુધારી લીધી હતી.

national news bharatiya janata party congress