કૉંગ્રેસ ઉત્તર પ્રદેશમાં મહિલાઓ માટે 40 ટકા ટિકિટ અનામત રાખશે

19 October, 2021 06:01 PM IST  |  Lucknow | Gujarati Mid-day Online Correspondent

પ્રિયંકાએ એ પણ જાહેરાત કરી હતી કે 15 નવેમ્બર સુધી ઉત્તરપ્રદેશની તમામ 403 મતવિસ્તારોમાંથી અરજીઓ માંગવામાં આવી છે.

પ્રિયંકા ગાંધી. ફાઇલ તસવીર

કૉંગ્રેસ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે મહિલા ઉમેદવારો માટે 40% ટિકિટ અનામત રાખશે, પાર્ટીના ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે લખનઉમાં જાહેરાત કરી હતી, જ્યારે તેણીએ પોતાના ચૂંટણીપ્રચાર પર પ્રશ્નો ટાળ્યા હતા.

“તમારી રક્ષા માટે અહીં કોઈ નથી. જેઓ તમારી સુરક્ષાની વાત કરે છે તે જ સુરક્ષિત છે, પરંતુ તમે નહીં.” તેમણે કહ્યું કે, રાજકારણમાં વધુ મહિલાઓને અપીલ કરો.

પ્રિયંકાએ એ પણ જાહેરાત કરી હતી કે 15 નવેમ્બર સુધી ઉત્તરપ્રદેશની તમામ 403 મતવિસ્તારોમાંથી અરજીઓ માંગવામાં આવી છે.

“હું મહિલાઓને રાજનીતિમાં આવવા અને મારી સાથે ખભેથી ખભો મેળવવાની વિનંતી કરું છું. સાથે મળીને, અમે આ દેશ અને આ રાજ્યની રાજનીતિ બદલીશું. સરકાર વિચારે છે કે 2,000 રૂપિયા અને ગેસ સિલિન્ડર બધું સમુંસુતરું કરશે. અમને મજબૂત મહિલા ઉમેદવારો મળશે અને અમે તેમને ટેકો આપીશું. જો હમણાં નહીં, તો આગામી ચૂંટણી સુધીમાં તેઓ વધુ મજબૂત બનશે.”

રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને લઈને યોગી આદિત્યનાથ સરકારને વખોડતા પ્રિયંકાએ તાજેતરમાં લખીમપુર ખેરીમાં બનેલી ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્રની એસયુવી ચાર ખેડૂતો ઉપર દોડી હતી.

“જ્યારે હું 2019માં ઉત્તર પ્રદેશ આવી હતી, ત્યારે હું અલ્હાબાદ યુનિવર્સિટીની કેટલીક છોકરીઓને મળી હતી અને તેમણે મને તેમના અને પુરુષ વિદ્યાર્થીઓ માટે જુદા-જુદા કાયદા વિશે જણાવ્યું હતું. તેમના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમે આ નિર્ણય પ્રયાગરાજની પારો નામની છોકરી માટે લીધો હતો જેણે કહ્યું હતું કે “દીદી, બડે હોકે મેં નેતા ચાહતી હું” (હું મોટી થઈને નેતા બનવા માંગુ છું) કહ્યું હતું. આ ચંદૌલીના શહીદ પાયલોટની બહેન વૈષ્ણવી માટે પણ છે જેમણે કહ્યું કે તે પાઇલટ બનવા માંગે છે.”

પ્રિયંકા ગાંધીએ ઉમેર્યું હતું કે 40% એ શરૂઆતનો આંકડો છે અને ભવિષ્યમાં મહિલાઓ માટે ટિકિટમાં આરક્ષણ વધારીને 50% કરી શકાય છે. જોકે, તેણીએ 2022ની ઉત્તર પ્રદેશ ચૂંટણી લડશે કે કેમ તે અંગે પ્રશ્નો ટાળ્યા હતા. તેણીએ કહ્યું કે “મેં હજી સુધી તેના પર નિર્ણય કર્યો નથી.”

રવિવારે, ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસના નવનિયુક્ત પ્રચાર સમિતિના વડા પીએલ પુનિયાએ કહ્યું હતું કે પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચારનો “ચહેરો” હશે.

national news priyanka gandhi uttar pradesh