વિદેશથી લોકોને ફ્રીમાં લવાયા હતા, હવે ભેદભાવ કેમ?: કૉન્ગ્રેસ

05 May, 2020 03:43 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વિદેશથી લોકોને ફ્રીમાં લવાયા હતા, હવે ભેદભાવ કેમ?: કૉન્ગ્રેસ

ફાઈલ તસવીર

કોરોના વાઇરસની મહામારી સામે જારી લડતમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે મજૂર લાંબા સમયથી ફસાયેલા હતા. હવે જ્યારે લગભગ એક મહિના બાદ ઘરે જવાની પરવાનગી મળી તો કેન્દ્ર સરકારે રેલવેનો તમામ ખર્ચ મજૂરો પાસેથી વસૂલવાનો નિર્ણય લીધો.

આ વિશે જોરશોરથી રાજકીય નિવેદનબાજી થઈ અને હવે કૉન્ગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોટો નિર્ણય લીધો છે. કૉન્ગ્રેસ પાર્ટી તમામ જરૂરિયાતમંદ મજૂરોનો રેલવે ટિકિટનો ખર્ચ ઉઠાવશે.

કૉન્ગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નિર્ણય લીધો છે કે પ્રદેશ કૉન્ગ્રેસ કમિટીના દરેક એકમ શ્રમિક-કારીગરના ઘરે જવાની ટ્રેનની ટિકિટનો ખર્ચ ઉઠાવશે અને જરૂરી પગલાં લેશે.

સોમવારે જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માત્ર ચાર કલાકની નોટિસ પર લૉકડાઉન લાગુ થવાના કારણે દેશના મજૂર પોતાના ઘરે જવાથી વંચિત રહી ગયા છે. ૧૯૪૭ બાદ દેશે પહેલી વાર આ રીતની ઘટના જોઈ કે લાખો મજૂર પગપાળા જ હજારો કિલોમીટર ચાલીને ઘરે જઈ રહ્યા છે.

સોનિયા ગાંધીએ તેમના નિવેદનમાં કહ્યું કે જો આપણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને કોઈ ખર્ચ કર્યા વિના પાછા લાવી શકતા હોઈએ, ગુજરાતમાં એક કાર્યક્રમમાં સરકારી ખજાનામાંથી ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરી શકતા હોઈએ, જો રેલવે મંત્રાલય પ્રધાનમંત્રી રાહત ફંડમાં ૧૫૧ કરોડ રૂપિયા આપી શકતા હોય તો પછી મુશ્કેલ સમયમાં મજૂરોના ભાડાનો ખર્ચ કેમ ઉઠાવી ના શકીએ?

રાજ્યો પાસેથી માત્ર કુલ ભાડાંના ૧૫ ટકા ચાર્જ માગવામાં આવે છે

કોરોના મહામારી વચ્ચે જે તે રાજ્યોમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકોને તેમના વતનમાં પાછા મોકલવા માટે મોદી સરકારે કમર કસી છે. શરૂઆતમાં આ શ્રમિકોને ખાનગી બસ દ્વારા અને હવે રેલવે ટ્રેનો દ્વારા પોતાનાં રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યા છે. પ્રવાસી શ્રમિકો માટે સરકાર નોન-સ્ટોપ ટ્રેનો દોડાવી રહી છે, પરંતુ શ્રમિકો પાસેથી રેલવે ભાડું વસૂલવાનો મામલો વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.

હવે રેલ મંત્રાલયે સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે. રેલ મંત્રાલયે કહ્યું કે મજૂરોને કોઈ ટિકિટ નથી વેચવામાં આવતી. રાજ્યો પાસેથી માત્ર કુલ ભાડાંના ૧૫ ટકા ચાર્જ માગવામાં આવી રહ્યો છે. તો સોશ્યલ ડિસ્ટન્સિંગના કારણે ટ્રેનની અનેક બર્થ ખાલી રાખવામાં આવી રહી છે.

કોરોના મહામારી વચ્ચે રેલવેએ પ્રવાસી શ્રમિકો માટે નોનસ્ટોપ રેલવે ટ્રેનો દોડાવવાનું શરૂ કર્યું છે, પરંતુ વિદેશમાં રહેતા ભારતીયોને વિમાન દ્વારા તદ્દન મફત અને ગરીબ શ્રમિકો પાસેથી રેલવે ટિકિટનો ચાર્જ વસૂલવામાં આવતો હોવાનો આરોપ કૉન્ગ્રેસે લગાવ્યો હતો, જેને લઈને વિવાદ ઊભો થતા રેલવે મંત્રાલયે સ્પષ્ટિકરણ કરતા કહ્યું છે કે ભારતીય રેલવે પ્રવાસી શ્રમિકોને ટિકિટ માટે સામાન્ય ચાર્જ વસૂલી રહી છે અને તે પણ રાજ્ય સરકાર પાસેથી માત્ર ૧૫ ટકા જ.

coronavirus covid19 congress sonia gandhi indian railways