PM મોદીએ ખોલાવેલાં બૅન્ક ખાતાંમાં ન્યાયના પૈસા જમા થશે : રાહુલ ગાંધી

26 April, 2019 11:14 AM IST  | 

PM મોદીએ ખોલાવેલાં બૅન્ક ખાતાંમાં ન્યાયના પૈસા જમા થશે : રાહુલ ગાંધી

ફાઈલ ફોટો

કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર છેલ્લાં પાંચ વર્ષમાં દેશના લોકો સાથે અન્યાય કરવાનો આરોપ લગાવ્યો છે. રાજસ્થાનના ઝાલોરમાં યોજાયેલી ચૂંટણીસભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે ‘કૉન્ગ્રેસની સરકાર બનશે તો સૌની સાથે ન્યાય થશે અને એક હિન્દુસ્તાન, સબ કા હિન્દુસ્તાન થશે.’આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનધન યોજના અંતર્ગત જે બૅન્ક ખાતાં ખોલાવ્યાં છે એમાં ન્યાય 72,000 રૂપિયા જમા કરાવશે. આ લાભ દેશના પાંચ કરોડ ગરીબ લોકોને મળશે. ઉપરાંત મહિલાઓને લોકસભા અને વિધાનસભાઓની સાથે સરકારી નોકરીઓમાં 33 ટકા અનામત આપવામાં આવશે.’

રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે ‘વડા પ્રધાન મોદીજીનો આભાર, કેમ કે તેમણે ખોલાવેલાં બૅન્ક અકાઉન્ટમાં ન્યાયના પૈસા જમા થશે. મેં આ યોજનાનું નામ ન્યાય એટલા માટે આપ્યું છે કે છેલ્લાં પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીએ હિન્દુસ્તાનના તમામ લોકો સાથે અન્યાય કર્યો છે.’રાજસ્થાનના મારવાડ ક્ષેત્રના ઝાલોરમાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ નોટબંધી અને જીએસટીને ગરીબોના ખિસ્સાના પૈસા છીનવવાનું ષડ્યંત્ર ગણાવ્યું છે. સાથે રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે ‘લઘુત્તમ આવક યોજના (ન્યાય)નો સૌથી વધુ ફાયદો દેશના બેરોજગાર યુવાનોને થશે અને દેશમાં માગ અને રોજગારીમાં વૃદ્ધિ થશે.’

 

આ પણ વાંચો: શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્રીયન વિસ્તારોમાં યોજી રૅલી

 

રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદી પર વ્યંગ કરતાં કહ્યું કે ‘અમારી સરકાર તમારા મનની વાત સાંભળશે. ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને નાના દુકાનદારોના દિલની વાત સાંભળશે. તમારા મનની વાત પર સરકાર ચાલશે. જે તમે કહેશો એ જ થશે અને ન્યાય થશે.’ તેમણે એમ પણ કહ્યું કે ન્યાય યોજના ખૂબ વિચારીને તૈયાર કરવામાં આવી છે અને આ અંતર્ગત પરિવારની મહિલા સભ્યના બૅન્ક અકાઉન્ટમાં પૈસા જમા થશે.’ રાહુલ ગાંધીએ ન્યાય યોજના સાથે ખેડૂતોના મુદ્દાને લઈને કહ્યું કે જો 2019માં સરકાર બનશે તો કૃષિ માટે અલગ બજેટ રજૂ કરાશે.

rahul gandhi congress