કૉંગ્રેસનો માસ્ટર સ્ટ્રોકઃ પ્રિયંકા ગાંધી બન્યા કૉંગ્રેસના મહાસચિવ

23 January, 2019 03:05 PM IST  | 

કૉંગ્રેસનો માસ્ટર સ્ટ્રોકઃ પ્રિયંકા ગાંધી બન્યા કૉંગ્રેસના મહાસચિવ

પ્રિયંકા ગાંધીની સક્રીય રાજકારણમાં એન્ટ્રી

ચૂંટણી પહેલા કૉંગ્રેસે માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો છે. પ્રિયંકા ગાંધીએ આખરે રાજનીતિમાં આવવાનો નિર્ણય કર્યો છે. પ્રિયંકા કૉંગ્રેસના મહાસચિવ બન્યા છે. પહેલી વાર પ્રિયંકા ગાંધીને સક્રીય જવાબદારી સોંપવામાં આવી છે. પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશનો કાર્યભાર મળ્યો છે. ઉત્તર પ્રદેશ કૉંગ્રેસની નબળી કડી રહ્યું છે, જો કે પૂર્વ ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ મજબૂત છે. જેને જોતા પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. સિંધિયા પશ્ચિમ ઉત્તર પ્રદેશની જવાબદારી સંભાળશે.

પ્રિયંકા કૉંગ્રેસમાં ભરશે નવું જોમ?

પ્રિયંકા ગાંધીના સક્રીય રાજકારણમાં પ્રવેશથી કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે. ગુજરાત કૉંગ્રેસના નેતા હિમાંશું પટેલના કહેવા પ્રમાણે, 'પ્રિયંકા ગાંધીના સક્રીય રાજકારણમાં પ્રવેશથી કૉંગ્રેસને નવું જોમ મળશે. નવી તાકાત મળશે. પ્રિયંકા ગાંધીએ રાજીવ ગાંધીને દેશ માટે શહીદ થતા જોયા છે અને તેમને પિતા અને દાદીનો વારસો મળ્યો છે. તેઓ આ જવાબદારીને ખૂબ જ સારી રીતે નિભાવશે. પ્રિયંકા ગાંધીના સક્રીય રાજનીતિમાં આગમનથી રાજકારણમાં એક નવી જ હવા ઉભી થશે'.

ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીના મતે પ્રિયંકા ગાંધીમાં લોકો ઈંદિરા ગાંધીની છબિ જુએ છે. હવે દેશમાં જ્યારે કૉંગ્રેસ મજબૂત બની રહી છે ત્યારે પ્રિયંકા ગાંધીની એન્ટ્રી કૉંગ્રેસને વધુ મજબૂત બનશે. ઉત્તર પ્રદેશ કૉંગ્રેસ માટે મોટો પડકાર છે પરંતુ પ્રિયંકા ગાંધીની નિર્મળ છબિના કારણે તેમને ફાયદો મળશે. યુવાનોને વધુને વધુ તક આપવાનો કૉંગ્રેસની રણનીતી છે. જે અંતર્ગત પ્રિયંકા ગાંધીને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપના કૉંગ્રેસ પર પ્રહાર
 
પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં એન્ટ્રી  પર ભાજપે કૉંગ્રેસને ઘેર્યું છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કૉંગ્રેસ પર પ્રહારો કરતા તેને એક જ પરિવારની પાર્ટી બતાવી. સંબિત પાત્રાએ કહ્યું કે પ્રિયંકા ગાંધીની મહાસચિવના પદ પર નિયુક્તિ એ બતાવે છે કે કૉંગ્રેસ એક જ પરિવારની પાર્ટી છે.

એટલું જ નહીં, રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, પ્રિયંકા ગાંધીની નિયુક્તિ એ વાતને દર્શાવે છે કે રાહુલ ગાંધીની અસફળતાને સાર્વજતિક રૂપથી સ્વીકારી લીધી છે. મહાગઠબંધને અસ્વીકાર કર્યા બાદ કૉંગ્રેસને ઘરના સહારાની જરૂર પડી છે.

તો, ભાજપના નેતા જીવીએલ નરસિમ્હા રાવે ટ્વીટ કરીને પ્રિયંકા ગાંધીની નિયુક્તિને 2019ના સૌથી UNEVENTFUL ન્યૂઝ ગણાવી. નરસિમ્હા રાવે કહ્યું કે પ્રિયંકા કાર્ડ દર વખતે ચૂંટણી પહેલા રમવામાં આવે છે. અને દરેક વખતે તે ફ્લોપ જાય છે. પરિવાર પોલિટિક્સ પર હવે ખતરો છે.





priyanka gandhi rahul gandhi congress