કૉન્ગ્રેસ નેતાએ કહ્યું કે ખેડૂતોને ધમકાવનાર વડા પ્રધાન ચીન સામે ચૂપ

13 February, 2021 02:46 PM IST  |  Jaipur | Gujarati Mid day Correspondent

કૉન્ગ્રેસ નેતાએ કહ્યું કે ખેડૂતોને ધમકાવનાર વડા પ્રધાન ચીન સામે ચૂપ

રાહુલ ગાંધી

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ત્રણ નવા કૃષિ કાયદાઓ થકી તેમના મિત્રો માટેનો માર્ગ મોકળો કરવાના પ્રયાસ કરવાનો આક્ષેપ લગાવતાં જણાવ્યું હતું કે ખેડૂતોને ધમકાવનાર વડા પ્રધાન ચીન સામે કશું કરી શકતા નથી.

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના પિલીબાંગ નગરની મહાપંચાયતમાં ખેડૂતોને સંબોધતાં

રાહુલે જણાવ્યું હતું કે નવા કાયદાઓ માત્ર ખેડૂતોને જ અસર કરશે એવું નથી, ૪૦ ટકા લોકો જેમાં ખેડૂતો, વેપારીઓ અને શ્રમિકોનો સમાવેશ થાય છે તેમને આ કાયદાઓના અમલીકરણથી ફટકો પડશે. સમગ્ર ધંધો બે ટકા લોકોના હાથમાં આવી જશે

પ્રથમ કાયદો મંડી વ્યવસ્થાને ખતમ કરી નાખવા માટે છે. બીજો કાયદો અમર્યાદિત જમાખોરી માટે છે. એનો અર્થ એ કે કોઈ એક વ્યક્તિ ભાવ નિયંત્રિત કરી શકે છે. જો આવું થશે તો ટોચના ઉદ્યોગપતિઓ જમાખોરી શરૂ કરી દેશે એમ તેમણે ઉમેર્યું હતું.

રાહુલે કર્યું સંસદીય મર્યાદાનું ઉલ્લંઘન: સ્પીકરની અનુમતિ વગર બે મિનિટનું મૌન પળાવ્યું

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે લોકસભામાં સ્પીકરની અનુમતી વગર કૃષિ કાયદા સામે વિરોધ પ્રદર્શનમાં મૃત્યુ પામેલા ખેડૂતોના શોકમાં બે મિનિટ મૌન પાળવાની જાહેરાત કરીને સંસદીય મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું. રાહુલ ગાંધીની એ હરકતથી સ્પીકર ઓમ બિરલા નારાજ થયા હતા. રાહુલની જાહેરાત પ્રમાણે બે મિનિટ મૌન પાળવામાં આવ્યા પછી સ્પીકરે જણાવ્યું હતું કે ગૃહની કાર્યવાહીના સંચાલનની મારી જવાબદારી છે. મારી અનુમતી લીધા વગર આવું પગલું લેવું એ સંસદીય મર્યાદાનું ઉલ્લંઘન છે. જો રાહુલ ગાંધી મૌન પળાવવા ઇચ્છતા હતા તો તેમણે પહેલેથી મારી પરવાનગી લેવી જોઈતી હતી.

national news congress china narendra modi