25 August, 2025 06:57 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
ચમોલી
ગઈ કાલે ઉત્તરાખંડમાં વધુ એક વાદળ ફાટ્યું હતું. ઉત્તરકાશીના ધરાલી પછી આ વખતે ચમોલીમાં તબાહી સર્જાઈ હતી. ચમોલી જિલ્લાના થરાલી નગર પાસે અડધી રાતે વાદળ ફાટવાથી આખો વિસ્તાર તબાહ થઈ ગયો હતો. અનેક ઘરમકાનો કાટમાળમાં દટાઈ ગયાં હતાં અને રસ્તાઓ ધોવાઈ ગયા હતા. રાતે લગભગ એક વાગ્યાની આસપાસ ભયંકર ગર્જના સાથે વરસાદ તૂટી પડતાં લોકો ઘરોમાંથી બહાર નીકળીને સુરક્ષિત સ્થળે દોડ્યા હતા.
સવાર સુધીમાં ઘરો, ઇમારતો, દુકાનો, વાહનો સહિત બધું ભારે કાટમાળમાં દટાઈ ગયું હતું. આ આફતમાં ઓછામાં ઓછી એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાની અને બે વ્યક્તિ લાપતા હોવાની જાણ થઈ હતી.
રાજસ્થાનમાં આકાશી આફત, ૪ દિવસ ભારે
રાજસ્થાનમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ગઈ કાલે હવામાન ખાતાએ રાજ્યમાં વધુ તીવ્ર વરસાદની ચેતવણી આપીને ૧૧ જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરી હતી. પાછલા બે દિવસથી રાજ્યના ૨૯ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે એને લીધે મોટા ભાગના જિલ્લાઓમાં સ્કૂલો અને કૉલેજો બંધ છે. હવામાન ખાતાની ચેતવણી પ્રમાણે હજી ચારથી પાંચ દિવસ વરસાદની તીવ્રતા ઓછી થવાની નથી.