18 July, 2026 03:55 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ઘટનાના વીડિયોમાંથી સ્ક્રીનશૉટ (તસવીર: X)
દિલ્હીના જંતર-મંતર પર શનિવારે એક મહિલાએ કૉકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકે પર શાહી ફેંકી ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. એવો આરોપ છે કે મહિલાએ દીપકેને થપ્પડ મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં મહિલા અચાનક દીપકે પાસે આવીને તેના પર શાહી ફેંકી રહી છે જ્યારે તે સ્થળ પર તેના સમર્થકો અને પ્રદર્શનકારીઓને સંબોધિત કરી રહ્યો હતો.
દિલ્હી પોલીસે શનિવારે સવારે સામાજિક કાર્યકર સોનમ વાંગચુક જે છેલ્લા 20 દિવસથી અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર હતા, તેમની તબિયત બગડતા જંતર-મંતરથી સફદરજંગ હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. પોલીસે જણાવ્યું કે તેમને તબીબી સલાહ અને દિલ્હી હાઈ કોર્ટના નિર્દેશો અનુસાર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી, અભિજીત દીપકેએ પણ અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ શરૂ કરવાની જાહેરાત કરી. દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` પર લખ્યું, "હું હવેથી અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર છું." તેની જાહેરાત ત્યારે થઈ જ્યારે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA) ના કાર્યકર્તાઓ નેહા, આમિન અને મનીષ પણ ભૂખ હડતાળ ચાલુ રાખી રહ્યા છે.
આ દરમિયાન, એક મહિલા દીપકે પાસે ગઈ અને તેના પર શાહી ફેંકી. એવો આરોપ છે કે તેણે તેને થપ્પડ મારવાનો પણ પ્રયાસ કર્યો. શાહી દીપકેના ચહેરા અને હાથ પર ઊડી હતી. ઘટનાસ્થળે હાજર સ્વયંસેવકો અને સમર્થકોએ તાત્કાલિક મહિલાને રોકી. દીપકેને મહિલાના હુમલાથી બચાવ્યો, પરંતુ કેટલાક સમર્થકોએ તેની સાથે ઝપાઝપી કરી. મહિલા પર જૂતું પણ ફેંકવામાં આવ્યું. ઘટના બાદ થોડા સમય માટે વિરોધ સ્થળ પર હોબાળો થયો હતો. મહિલાની ઓળખ અને ઘટના પાછળનો હેતુ જાણવા મળ્યો નથી. ઘટનાસ્થળે હાજર પોલીસે મહિલાની અટકાયત કરી છે અને પૂછપરછ શરૂ કરી છે.
ઘટના પછી, અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કરી લખ્યું, "વાદળી મારો રંગ છે; જય ભીમ." ઘટના પર આક્રોશ વ્યક્ત કરવાને બદલે, તેણે વાદળીને પોતાનો પ્રિય રંગ જાહેર કર્યો. દીપકેએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી દરમિયાન દિલ્હી પોલીસે તેના પર હુમલો કર્યો હતો અને તેની અટકાયત કરી હતી.
કૉકરોચ જનતા પાર્ટી (CJP)એ NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અને વિવાદ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના મૃત્યુના વિરોધમાં આંદોલનનું નેતૃત્વ કરી રહી છે. આ આંદોલનના સમર્થનમાં સોનમ વાંગચુક 20 દિવસથી અનિશ્ચિતકાળ માટે ભૂખ હડતાળ પર હતા. હવે, વાંગચુકના હૉસ્પિટલમાં દાખલ થયા બાદ, અભિજીત દીપકે ભૂખ હડતાળ શરૂ કરી છે. દરમિયાન, CJPએ ૨૦ જુલાઈએ સંસદ સુધી કૂચ કરવાની પણ જાહેરાત કરી છે. હાલમાં હૉસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુક કૂચમાં ભાગ લઈ શકશે કે નહીં તે હજી સ્પષ્ટ નથી.