18 September, 2025 04:55 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
જાવરી મંદિરમાં ભગવાન વિષ્ણુની સાત ફૂટની મૂર્તિ ખંડિત થઈ હતી અને મુખ્ય ન્યાયાધીશ (તસવીર: મિડ-ડે)
સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન ખજુરાહો મંદિર સંબંધિત ભારતના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈએ કરેલી ટિપ્પણીઓ બાદ તેમની ટીકા થઈ રહી છે. આ ટીકા અંગે હવે ગુરુવારે, 18 સપ્ટેમ્બરના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈએ ખુલ્લી કોર્ટની સુનાવણીમાં સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર તેમની ટિપ્પણીઓને ‘ખોટી રીતે રજૂ’ કરવામાં આવી રહી છે. “મારી ટિપ્પણીઓ કેસના ‘સંદર્ભને જાણ્યા વગર’ પોસ્ટ કરવામાં આવી રહી છે. કોઈએ મને બીજા દિવસે કહ્યું કે મેં કરેલી ટિપ્પણીઓને સોશિયલ મીડિયા પર ખોટી રીતે બતાવવામાં આવી રહી છે. હું બધા ધર્મોનો આદર કરું છું," મુખ્ય ન્યાયાધીશે કોર્ટમાં કહ્યું.
કોર્ટે ખજુરાહો મૂર્તિને ફરીથી સ્થાપિત કરવાની અરજી ફગાવી દીધી હતી
આ વિવાદ 16 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટના આદેશથી શરૂ થયો હતો, જેમાં મધ્યપ્રદેશના યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ-સૂચિબદ્ધ ખજુરાહો સ્મારકોના જૂથનો ભાગ, જાવરી મંદિરમાં ભગવાન વિષ્ણુની સાત ફૂટની મૂર્તિને ફરીથી સ્થાપિત કરવાની માગ કરતી અરજીને ફગાવી દેવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન, સીજેઆઈ ગવઈએ અરજીને ‘સંપૂર્ણ રીતે પ્રચાર હિતની અરજી’ તરીકે ઓળખાવી હતી. અરજદાર રાકેશ દલાલ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરતી વખતે, મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ ટિપ્પણી કરી, "આગળ વધો અને ભગવાનને પ્રાર્થના કરો. તમે ભગવાન વિષ્ણુના ભક્ત હોવાનો દાવો કરો છો, તેથી તેમને કંઈક કરવા માટે કહો. આ એક પુરાતત્વીય સ્થળ છે, ASI ની પરવાનગી જરૂરી છે. માફ કરશો, અમે દખલ કરી શકતા નથી." બેન્ચે એમ પણ અવલોકન કર્યું કે આ મામલો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. “આ એક પુરાતત્વીય શોધ છે, ASI આવી વસ્તુ કરવાની મંજૂરી આપશે કે નહીં. વિવિધ મુદ્દાઓ છે,” મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું.
અરજદારો દ્વારા શૈવ ધર્મ પર ટાંકવામાં આવેલી ટિપ્પણીઓ
ખજુરાહો સંકુલની અંદરના અન્ય મંદિરોનો ઉલ્લેખ કરતી CJI ગવઈની વધારાની ટિપ્પણીઓ પર વધુ ધ્યાન દોરવામાં આવ્યું હતું. “આ દરમિયાન, જો તમે શૈવ ધર્મ પ્રત્યે વિરોધી નથી, તો તમે ત્યાં જઈને પૂજા કરી શકો છો. ખજુરાહોમાં સૌથી મોટા શિવલિંગમાંથી એક શિવલિંગ છે,” તેમણે કહ્યું. આ ટિપ્પણીઓ પર સોશિયલ મીડિયા અને કેટલાક ધાર્મિક જૂથો તરફથી ટીકા અને વિરોધી પ્રતિક્રિયાઓ આવી રહી છે, જેના કારણે ગુરુવારે મુખ્ય ન્યાયાધીશે ખુલ્લી અદાલતમાં સ્પષ્ટતા કરી છે. અરજી ફગાવી દીધા બાદ અરજદાર દ્વારા વધુ કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી. જોકે લોકો એવી ટીપ્પણી કરી રહ્યા છે કે “શું ભારતના મુખ્ય ન્યાયાધીશ બીજા ધર્મો માટે પણ આવા જ ચુકાદા આપશે કે જાઓ તમારા ભગવાનને પ્રાર્થના કરીને આ કરવા કહો?”