ચીનાઓ જાણી ગયા છે કે મોદી તેમનાથી ડરી ગયા છે: રાહુલ ગાંધી

28 February, 2021 11:32 AM IST  |  Tuticori | Gujarati Mid-day Correspondent

ચીનાઓ જાણી ગયા છે કે મોદી તેમનાથી ડરી ગયા છે: રાહુલ ગાંધી

ફાઈલ તસવીર

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લદાખ સરહદે ભારત અને ચીનના સંઘર્ષના મુદ્દે જણાવ્યું હતું કે ભારતના વડા પ્રધાન ચીનથી ડરી ગયા હોવાનું બીજિંગના સત્તાવાળાઓ સમજી ગયા છે. આગામી ૬ એપ્રિલે યોજાનારી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે તામિલનાડુના ત્રણ દિવસના પ્રવાસમાં ગઈ કાલે રાહુલ ગાંધીએ તૂતીકોરિનમાં વકીલોની સભાને અને ટુથુકોડીમાં વીઓસી કૉલેજમાં સ્થાનિકોની સભાને સંબોધી હતી. એ સભાઓમાં રાહુલ ગાંધીએ અનેક મુદ્દે નરેન્દ્ર મોદી, બીજેપી અને આરએસએસની ટીકા કરી હતી.

રાહુલ ગાંધીએ પેટ્રોલના ભાવમાં વધારો અને સરકાર ફક્ત બે કૉર્પોરેટ ઉદ્યોગ ગૃહોના લાભાર્થે ચાલતી હોવાના આરોપો ઉચ્ચાર્યા હતા. મધ્ય પ્રદેશ અને અરુણાચલ પ્રદેશ જેવાં કૉન્ગ્રેસશાસિત રાજ્યોમાં વિધાનસભ્યોને ખરીદીને સરકારો ઉથલાવી પાડી હોવાનો આરોપ બીજેપી પર મૂક્યો હતો. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે લોકસભા, વિધાનસભા, પંચાયતો અને સુધરાઈઓ જેવાં સ્થાનિક પ્રશાસન તંત્રો, ન્યાયતંત્ર વગેરેની સંસ્થાકીય સમતુલા ખોરવી હોવાનો પણ આરોપ મૂક્યો હતો. વળી મીડિયાની સ્વતંત્રતા પણ તેમને પસંદ નથી. રાહુલ ગાંધીએ ચીન સાથેની સમસ્યા બાબતે જણાવ્યું હતું કે ‘ચીને ભારતીય પ્રદેશનાં કેટલાંક વ્યુહાત્મક સ્થળો પર કબજો જમાવ્યો છે એ વાતમાં કોઈ શંકા નથી, પરંતુ એ પૂર્વે ૨૦૧૭માં દોખલામમાં ચીને ભારતની અને ખાસ કરીને વડા પ્રધાનની તાસીરની કસોટી કરી હતી. એ વખતે ચીનાઓ જાણી ગયા હતા કે નરેન્દ્ર મોદીને ડરાવી શકાય છે.’ 

national news rahul gandhi narendra modi congress bharatiya janata party china