ચીનની ચાલાકી: નેપાલમાં 30 કરોડ ડૉલરની રેલવે યોજનાનું કામ શરૂ કર્યું

30 July, 2020 11:22 AM IST  |  Kathmandu | Agencies

ચીનની ચાલાકી: નેપાલમાં 30 કરોડ ડૉલરની રેલવે યોજનાનું કામ શરૂ કર્યું

ભારત-નેપાલ સરહદ

ભારત સાથેના સરહદી વિવાદ વચ્ચે ચીને નેપાલમાં ૩૦ કરોડ ડૉલરની રેલ પરિયોજના પર કામ શરૂ કરી દીધું છે. વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વની ગણાતી આ રેલવે લાઇન લ્હાસાથી કાઠમંડુ સુધી જશે અને બાદમાં ભારત-નેપાલ સરહદ પાસે લુમ્બિની સાથે પણ એને જોડવામાં આવશે. ચીનના મીડિયાએ રેલવે પ્રોજેક્ટના સર્વેની તસવીરો શૅર કરી છે. તસવીરોમાં એક ટીમ કૉરિડોર સાઇટનું નિરીક્ષણ કરતી જોવા મળી રહી છે.

આ સંજોગોમાં જ્યારે નેપાલ અને ભારત વચ્ચે સીમાવિવાદ ચાલી રહ્યો છે, ચીન પોતાની પરિયોજનાઓ દ્વારા નેપાલમાં પોતાની પકડ મજબૂત કરવા પ્રયત્ન કરી રહ્યું છે. સોમવારે ચીને પાકિસ્તાન, નેપાલ અને અફઘાનિસ્તાન સાથે વર્ચ્યુઅલ બેઠક યોજીને કોરોના મહામારી અને બેલ્ટ ઍન્ડ રોડ પરિયોજના માટે સહયોગ વધારવા ચર્ચા કરી હતી.

ચીન-નેપાલ વચ્ચે ૨૦૦૮માં રેલવે લાઇનની યોજના બની હતી, પરંતુ ત્યારથી એમાં કોઈ મોટી પ્રગતિ નથી થઈ. જોકે નેપાલ-ભારતના વર્તમાન સરહદવિવાદ વચ્ચે ચીને કૉરિડોરનું કામ ઝડપી કરી દીધું છે. આ મહત્વાકાંક્ષી પરિયોજના માટે ૨૦૨૫ની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે. વિવિધ ઘટનાક્રમ પર નજર નાખીએ તો ભારતીય સૂત્રોના કહેવા પ્રમાણે હજુ પરિયોજનાનું નિર્માણ કાર્ય શરૂ નથી થયું, પરંતુ સર્વે શરૂ કરી દેવાયો છે.

ચીને ૨૦૦૮માં આ પરિયોજનાનો પાયો નાખ્યો હતો તથા રેલવે કૉરિડોર દ્વારા લ્હાસાથી શિગાસ્તેને જોડવામાં આવશે અને પછી એનો વિસ્તાર નેપાલ સરહદ પાસે કેરૂંગ સુધી કરવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું હતું. અંતિમ તબક્કામાં આ રેલવે લાઇનને કાઠમંડુ અને બુદ્ધના જન્મસ્થળ લુમ્બિની સુધી લઈ જવામાં આવશે.

nepal kathmandu india national news