લેહ-લદ્દાખમાં ભારતીય ક્ષેત્રમાં દોઢ કિમી અંદર સુધી ઘુસી ગઈ ચીનની સેના

13 July, 2019 08:54 AM IST  |  લેહ-લદ્દાખ

લેહ-લદ્દાખમાં ભારતીય ક્ષેત્રમાં દોઢ કિમી અંદર સુધી ઘુસી ગઈ ચીનની સેના

ચીને ફરી કરી અવળચંડાઈ

ડોકલામ વિવાદના લગભગ બે વર્ષ બાદ ચીનના સૈનિકોએ એક વાર ફરી ભારતના ક્ષેત્રમાં ઘુસપેઠ કરી છે. જમ્મૂ-કશ્મીરના લદ્દાખ સેક્ટરના દેમચોક વિસ્તારમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકો દોઢ કિમી અંદર સુધી આવી ગયા હતા. સુરક્ષા અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. આ પહેલા મીડિયાના અહેવાલોમાં ચીનના સૈનિકો 6 કિમી અંદર આવ્યા હોવાની વાત કહેવામાં આવી રહી હતી.

આ બાબતની સૌથી પહેલી જાણકારી લદ્દાખના ભૂતપૂર્વ સાસંદે આપી છે. તેમણે મહિલા સરપંચ દ્વારા મોકલવામાં આવેલી તસવીરો થકી દાવો કર્યો છે કે, ચીન આ પ્રકારની ઘૂસણખોરી વારંવાર કરે છે. ભારત સરકાર પણ આ વાત જાણે છે પરંતુ ભારત સરકાર અને મીડિયા પણ તેના પર મૌન રહે છે. ભૂતપૂર્વ સાંસદનું કહેવું છે કે, આ જ વિસ્તારમાં અગાઉ ત્રણથી ચાર વખત ચીની સૈનિકો દેખાયા છે. જોકે ભારતે તેની સામે વાંધો ઉઠાવીને નક્કર પગલાં લેવા જોઈએ.

અધિકારીઓએ જણાવ્યું કે તિબેટિયન ધર્મગુરૂ દલાઈ લામાના જન્મદિવસ પર ચીનને લગતી વાસ્તવિક નિયંત્રણ રેખા પાસેના કોયૂલ ગામમાં તિબેટિયન શરણાર્થીઓએ તિબેટનો ધ્વજ ફરકાવ્યો હતો. જેનો વિરોધ કરવા માટે ચીનના સૈનિકો પોતાના વાહનોથી કોયૂલ ગામ સુધી આવી ગયા હતા અને તિબેટનો ધ્વજ ફરકાવવાનો વિરોધ કર્યો. જો કે અધિકારીઓએ એમ પણ કહ્યું કે ભારત અને ચીન વચ્ચે હજુ સુધી નિયંત્રણ રેખાને લઈને નક્કી નથી થયું એટલે ઘૂસણ ખોરીને લઈને અલગ અલગ મતો છે.

આ પણ જુઓઃ તમને યાદ છે ઢોલીવુડની આ હિટ જોડીઓ? જેમણે લોકોના દિલ પર કર્યું છે રાજ

બીજી તરફ આ ઘટનાને લઈને રક્ષા મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે પીએલએના જવાનોએ નિયંત્રણ રેખાને પાર નથી કરી. બે વાહનોથી સાદા કપડામાં આવેલા ચીની સૈનિક પોતાના ક્ષેત્રમાં સિંધુ નદીના કિનારે ઉભા હતા. ત્યાંથી જ એક સૈનિકે બેનર લહેરાવ્યું, જેના પર લખ્યું હતું, 'તિબેટને વિભાજીત કરનારી તમામ ગતિવિધીઓ પર પ્રતિબંધ લગાવો.'

china national news