કાઉન્ટડાઉન શરૂઃ આજે ચન્દ્રયાન-2ને લોન્ચ કરાશે

22 July, 2019 07:36 AM IST  |  શ્રીહરિકોટા

કાઉન્ટડાઉન શરૂઃ આજે ચન્દ્રયાન-2ને લોન્ચ કરાશે

ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોએ ચન્દ્રયાન-૨નું લોન્ચ રિહર્સલ પૂર્ણ કરી લીધું છે. ચન્દ્રયાન-૨ ને આજે બપોરે ૨.૪૩ કલાકે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવશે. આ વચ્ચે ઇસરોના ભૂતપૂર્વ પ્રમુખ એ. એસ. કિરણકુમારે જણાવ્યું છે કે, તમામ તૈયારી પૂરી કરવામાં આવી છે. અમે સોમવારની મહત્ત્વની ઇવેન્ટ માટે તૈયાર છીએ.

ઇસરોએ ટ્‌વીટ કરીને લખ્યું હતું કે, જીએસએલવી એમકે ૩ એમ૧/એમ૧ ચન્દ્રયાન ૨નો પૂર્વઅભ્યાસ પૂરો થઈ ગયો છે અને તેનું પ્રદર્શન સામાન્ય છે. અગાઉ ચન્દ્રયાન-૨નું લોન્ચિંગ સોમવારે પરોઢિયે ૨.૫૧ કલાકે થવાનું હતું. જો કે લોન્ચિંગના એક કલાક પહેલાં ટેક્નિકલ ખામી સર્જાતાં મિશનને મોકૂફ રાખવાની ફરજ પડી હતી.

જીએસએલવી માર્ક ૩ રોકેટ ૬૦૩ કરોડ રૂપિયાના ચન્દ્રયાન-૨ અંતરિક્ષ યાનને પૃથ્વીની ભ્રમણકક્ષામાં રાખશે. પૃથ્વી અને ચન્દ્રની વચ્ચે લગભગ ૩ લાખ ૮૪ કિમીનું અંતર છે. ત્યાંથી ચન્દ્ર સુધી પહોંચવા માટે લાંબી યાત્રા શરૂ થશે. ચન્દ્રયાન ૨માં લૅન્ડર-વિક્રમ અને રોવર પ્રજ્ઞાન પણ ચન્દ્ર સુધી પહોંચશે. મહત્ત્વની વાત એ છે કે લોન્ચિંગની તારીખ પાછળ ખેંચ્યા બાદ પણ ચન્દ્રયાન-૨ ચન્દ્ર પર નક્કી કરેલી તારીખ ૭ સપ્ટેમ્બરે જ પહોંચશે. આને સમયસર પહોંચાડવાનું કારણ એ છે કે લૅન્ડર અને રોવર નક્કી કરેલા શેડ્યુલથી કામ કરી શકે. સમય બચાવવા માટે ચન્દ્રયાન પૃથ્વીનું એક રાઉન્ડ ઓછું લગાવશે. ચન્દ્રયાન-૨નું લૅન્ડિંગ એવી જગ્યાએ કરવામાં આવશે જ્યાં સૂર્યપ્રકાશ વધારે હોય. પ્રકાશ ૨૧ સપ્ટેમ્બર બાદ ઘટશે. લૅન્ડર અને રોવરે ૧૫ દિવસ કામ કરવાનું છે તેથી સમય પર લૅન્ડિંગ થાય એ ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચોઃ પરિણીતી ચોપરાએ કર્યો ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકરને કિડનેપ !

ચન્દ્રયાન-૨ ભારતનું સૌથી તાકાતવર જીએસએલવી માર્ક-૩ રોકેટથી લોન્ચ કરવામાં આવશે. આ રોકેટમાં ત્રણ મોડ્યુલ, ઓર્બેટિર, લૅન્ડર અને રોવર હશે. આ મિશન અંતર્ગત ઈસરો ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લૅન્ડરને ઉતારશે. આ વખતે ચન્દ્રયાન-૨નું વજન ૩૮૮૭ કિલો થશે. આ ચન્દ્રયાન-૧ મિશન(૧૩૮૦ કિલો)થી લગભગ ત્રણ ગણું વધુ છે. લૅન્ડરની અંદરના હાલના રોવરની ગતિ ૧ સેમી પ્રતિ સેકન્ડની રહેશે.

isro sriharikota