Chandrayaan 1 : પૃથ્વીને કારણે આ રીતે ચંદ્રની સપાટી પર તૈયાર થઈ શકે છે પાણી!

15 September, 2023 06:37 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Online Correspondent

Chandrayaan 1 : 2008માં ભારતનું પ્રથમ ચંદ્ર મિશન લૉન્ચ કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો છે કે પૃથ્વીની પ્લાઝ્મા શીટમાં રહેલા ઈલેક્ટ્રોન ચંદ્રની સપાટી પર પાણી બનાવી શકશે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

2008માં ભારતનું પ્રથમ ચંદ્ર મિશન `ચંદ્રયાન 1` (Chandrayaan 1) લૉન્ચ કરવામાં આવ્યું હતું. તેના રિમોટ સેન્સિંગ ડેટાનો અભ્યાસ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. તેમના અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે પૃથ્વીના ઉચ્ચ એનર્જીવાળા ઈલેક્ટ્રોન ચંદ્ર પર પાણીનું (Water On Moon) સર્જન કરી શકે છે. 

યુ.એસ.ના મનોઆ ખાતે યુનિવર્સિટી ઓફ હવાઈના સંશોધકોની એક ટીમે એવું તારણ કાઢ્યું છે કે પૃથ્વીની પ્લાઝ્મા શીટમાં રહેલા આ ઈલેક્ટ્રોન ચંદ્રની સપાટી પરના ખડકો અને ખનિજોના તૂટવા કે વિઘટન સહિત હવામાન પ્રક્રિયાઓમાં પણ મોટો ફાળો આપી રહ્યા છે.

પૃથ્વીની પ્લાઝ્મા શીટમાં ઉચ્ચ એનર્જી ઇલેક્ટ્રોન હોય છે તે ચંદ્રની સપાટી પર હવામાન પ્રક્રિયાઓમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે તેવું માનવામાં આવે છે. મેગ્નેટોસ્ફિયર એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર દ્વારા નિયંત્રિત અવકાશનો વિસ્તાર છે જે અવકાશના હવામાન અને હાનિકારક સૌર કિરણોત્સર્ગ સામે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે. 

નેચર એસ્ટ્રોનોમી જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં એમ પણ જાણવા મળ્યું છે કે કદાચ આ ઇલેક્ટ્રોન ચંદ્ર પર પાણી (Water On Moon) બનાવવામાં મદદ કરી શકે છે. સંશોધકોએ જણાવ્યું હતું કે ચંદ્ર પર પાણીની આદ્રતાને જાણવી ખૂબ જ જરૂરી છે જેથી તેની રચના અને ઉત્ક્રાંતિને પણ સારી રીતે સમજી શકાય છે. આ ઉપરાંત ભવિષ્યમાં માનવ અભિયાનો માટે જળ સંસાધનો પ્રદાન કરવા માટે પણ તે મહત્વપૂર્ણ છે.

ચંદ્રયાન-1 (Chandrayaan 1)એ ચંદ્ર પર પાણીના કણોની શોધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2008માં શરૂ થયેલું આ મિશન ભારતનું પ્રથમ ચંદ્ર મિશન હતું. UH માનોઆ સ્કૂલ ઑફ ઓશનના સહાયક સંશોધક શુઆઈ લીએ જણાવ્યું હતું કે "તે ચંદ્રની સપાટી પરના પાણીની રચનાની પ્રક્રિયાઓનો અભ્યાસ કરવા માટે કુદરતી પ્રયોગશાળા પ્રદાન કરે છે”

તેમણે આ મિશન વિશે આગળ જણાવ્યું કે, “જ્યારે ચંદ્ર મેગ્નેટોટેલની બહાર હોય છે, ત્યારે ચંદ્રની સપાટી પર સૌર પવનનું દબાણ રહેતું હોય છે. મેગ્નેટોટેલની અંદર ત્યાં લગભગ કોઈ સૌર પવન પ્રોટોન નથી અને લગભગ કોઈ પાણીની રચના (Water On Moon) થવાની અપેક્ષા રહેતી નથી.”

શુઆઇ લી અને સહ-લેખકોએ 2008 અને 2009 વચ્ચે ભારતના ચંદ્રયાન 1 (Chandrayaan 1) મિશન પર ઇમેજિંગ સ્પેક્ટ્રોમીટર, મૂન મિનરોલોજી મેપર ડિવાઇસ દ્વારા એકત્રિત કરવામાં આવેલા રિમોટ સેન્સિંગ ડેટાનું વિશ્લેષણ કર્યું હતું.  શુઆઇ લી જણાવે છે કે "મારા આશ્ચર્યની વાત એ છે કે, રીમોટ સેન્સિંગનો ધ્યાનથી અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે પૃથ્વીના મેગ્નેટોટેલમાં પાણીની રચનાનો સમય એ સમાન હતો જ્યારે ચંદ્ર ગ્રહ પૃથ્વીની મેગ્નેટોટેલની બહાર હતો.”

તમને જણાવી દઈએ કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ ઓક્ટોબર 2008માં `ચંદ્રયાન 1` (Chandrayaan 1) લોન્ચ કર્યું હતું અને ઓગસ્ટ 2009 સુધી તેનું સંચાલન કર્યું હતું. આ મિશનમાં ઓર્બિટર અને ઈમ્પેક્ટરનો સમાવેશ થતો હતો.

technology news indian space research organisation national news india