પંજાબ, હરિયાણા અને બિહારમાં દેખાઈ ખેડૂતોના રેલ રોકો આંદોલનની અસર

19 February, 2021 11:08 AM IST  |  Chandigarh | Agency

પંજાબ, હરિયાણા અને બિહારમાં દેખાઈ ખેડૂતોના રેલ રોકો આંદોલનની અસર

અમ્રિતસર રેલવે-સ્ટેશન પાસે આંદોલન કરી રહેલા ખેડૂતો.

કેન્દ્ર સરકારના કૃષિ સુધારા કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનોના ‘રેલ રોકો’ આંદોલનના એલાનના પ્રતિસાદરૂપે પંજાબ, હરિયાણા અને બિહારમાં અનેક ઠેકાણે પાટા પર બેસીને ધરણાં કરવામાં આવ્યાં હતાં. ચાર કલાકના રેલ રોકો આંદોલનમાં હિંસા કે ધાંધલ-ધમાલના બનાવ બન્યા નહોતા, પરંતુ પ્રવાસીઓએ ઘણી મુશ્કેલી વેઠવી પડી હતી. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાનમાં પણ ઘણા ઠેકાણે ટ્રેનને રોકવામાં આવી હતી. વિરોધ-પ્રદર્શનનાં કેટલાંક સ્થળો પાસે મોટા સમુદાયને જમાડવા માટેનાં લંગર (ભંડારા-વિનામૂલ્ય ભોજન)ની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ખેડૂત સંગઠનના ઝંડાની સાથે રાષ્ટ્રધ્વજ પણ લઈને વિરોધ-પ્રદર્શન કરતા આંદોલનકારીઓમાં મહિલાઓ, વૃદ્ધો અને બાળકો પણ હતાં. બપોરે ૧૨થી સાંજે ૪ વાગ્યા સુધી રેલ રોકો આંદોલનનું એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ આંદોલનકારો ૧૨ વાગ્યા પહેલાં પાટા પર બેસવા માંડ્યા હતા. અનિચ્છનીય બનાવો ટાળવા માટે પોલીસ અને અન્ય સુરક્ષા દળોનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પણ વિરોધ-પ્રદર્શન કરનારા આંદોલનકારીઓએ નવા કૃષિ કાયદા મિનિમમ સપોર્ટ પ્રાઇસ (એમએસપી)ની વ્યવસ્થા નાબૂદ કરીને ખેડૂતોને કૉર્પોરેટ કંપનીઓની દયા પર છોડવા માટે ઘડાયા હોવાના પુનરુચ્ચાર કર્યા હતા.

punjab haryana bihar amritsar national news