રાહુલજી, ઘૂસણખોરો શું તમારા કઝિન્સ થાય છે? અમિત શાહ

03 December, 2019 11:36 AM IST  |  Chakradharpur

રાહુલજી, ઘૂસણખોરો શું તમારા કઝિન્સ થાય છે? અમિત શાહ

અમિત શાહ

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે ઝારખંડમાં બીજા તબક્કાના મતદાન પહેલાં ચક્રધારપુર ખાતે જંગી સભાને કરેલા સંબોધનમાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને નિશાન બનાવીને દાવો કર્યો હતો કે બીજેપી સરકાર દેશમાંથી એકેક ઘૂસણખોરોને વીણી-વીણીને તગેડવા એનઆરસી કાયદાનો અમલ કરવા જઈ રહી છે ત્યારે કૉન્ગ્રેસ એનો વિરોધ કરીને ઘૂસણખોરોને શા માટે બચાવવા માગે છે? તેમણે રાહુલને ઉદ્દેશીને સવાલ કર્યો કે રાહુલજી, શું આ વિદેશી ઘૂસણખોરો તમારા પિતરાઈ ભાઈ થાય છે?

૮૧ બેઠકો ધરાવનાર ઝારખંડમાં પ્રથમ તબક્કામાં ૧૩ બેઠકો માટે મતદાન થઈ ગયું છે. બીજા તબક્કામાં ૭મીએ ૨૦ બેઠકો માટે મતદાન થવાનું છે એ પહેલાં રાજકીય પક્ષો માટે પ્રચાર ચાલી રહ્યો છે. ઝારખંડ ચૂંટણીમાં પણ હવે એનઆરસી અને ઘૂસણખોરોના મુદ્દા ગાજવા લાગ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે અહીં એક રૅલીમાં કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું હતું.

આ પણ વાંચો : વિચારું છું કે તમને નિર્મલાને બદલે નિર્બલા કહેવું ઠીક રહેશે : અધીર રંજન

અમિત શાહે કહ્યું, ‘આ રાહુલબાબા કહે છે કે તમે એનઆરસી કેમ લાવ્યા છો? તમે ઘૂસણખોરોને કેમ દૂર કરી રહ્યા છો? તેઓ ક્યાં જશે? કેમ ભાઈ, ઘૂસણખોરો તમારા પિતરાઈ ભાઈ લાગે છે? ૨૦૨૪ પહેલાં બીજેપી સરકાર દેશમાંથી દરેક ઘૂસણખોરને વીણી-વીણીને શોધી કાઢીને તેમને તેમના દેશભેગા કરી દઈને દેશને સલામત બનાવશે.’ અમિત શાહે ઝારખંડની ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણી માટે બહરાગોડાના ચક્રધારપુરમાં એક રૅલીને સંબોધન કર્યું હતું.

amit shah national news rahul gandhi