લોકસભાની ચૂંટણી પહેલાં નહીં થાય વસ્તીગણતરી

29 May, 2023 11:15 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નાગરિકોને સ્માર્ટફોન, ઇન્ટરનેટ તેમ જ કયું અનાજ ખાઓ છો એ વિશે પણ પ્રશ્નો પુછાશે

તસવીર સૌજન્ય મિડ-ડે ગુજરાતી

દર દસ વર્ષે યોજાતી વસ્તીગણતરી રોગચાળાને કારણે મુલતવી રખાઈ હતી. જે ૨૦૨૪ની એપ્રિલ-મે દરમ્યાન યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાં થાય એવી શક્યતા નથી. અધિકારીએ કહ્યું હતું કે જ્યારે પણ વસ્તીગણતરી થશે ત્યારે એમાં તમારી પાસે સ્માર્ટ ફોન, ઇન્ટરનેટ, લૅપટૉપ, કમ્પ્યુટર, કાર કે ટૂ વ્હીલર તેમ જ તમે કયું અનાજ ખાઓ છો એવા ૩૧ સવાલો પૂછવામાં આવશે. 

વસ્તીગણતરીનો તબક્કો દેશમાં પહેલી એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી હાથ ધરવામાં આવનાર હતી, પરંતુ કોવિડને કારણે એ મુલતવી રાખવામાં આવી હતી. સરકારે વસ્તીગણતરીનું નવું ટાઇમટેબલ હજી બહાર પાડ્યું નથી. જાન્યુઆરીમાં દેશના રજિસ્ટર જનરલ અને સેન્સસ કમિશનર ઑફિસે કહ્યું હતું કે નવા જિલ્લાઓ તથા તાલુકાઓની રચનાની તારીખ ૩૦ જૂન સુધી લંબાવવામાં આવી છે. નિયમ મુજબ જિલ્લા, તાલુકાઓ અને પોલીસ સ્ટેશન જેવી સીમાઓ નક્કી કર્યાના ત્રણ મહિના બાદ વસ્તીગણતરી શરૂ કરવામાં આવે છે. આ કામગીરી માટે દેશમાં ૩૦ લાખ સરકારી કર્મચારીઓ અને શિક્ષકોને તાલીમ આપવા માટે પણ બેથી ત્રણ મહિનાની જરૂર પડશે. જોકે આ જ સમયગાળામાં ચૂંટણીપંચ લોકસભાની ચૂંટણીઓ માટે મતદાર યાદીની સુધારણાની પ્રક્રિયા શરૂ કરશે. ઑક્ટોબરથી વસ્તીગણતરીની કવાયત હાથ ધરાય એવી શક્યતા ઓછી છે, કારણ કે બન્નેની કામગીરી માટે એકસરખા જ લોકો  સંકળાયેલા હોય છે. આમ વસ્તીગણતરીની કામગીરી લોકસભાની ચૂંટણી બાદ જ હાથ ધરાય એવી શક્યતા છે. જોકે આ વખતની વસ્તીગણતરી ડિજિટલ વસ્તીગણતરી હશે, જેમાં નાગરિકો જાતે પણ પોતાની ગણતરી કરી શકશે. નાગરિકો પોતાનો આધાર અથવા મોબાઇલ નંબરના આધારે એમાં પોતાની માહિતી આપી શકશે. નાગરિકોને કુલ ૩૧ પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં પરિવાર પાસે ટેલિફોન લાઇન, ઇન્ટરનેટ કનેક્શન, મોબાઇલ કે સ્માર્ટફોન, સાઇકલ, સ્કૂટર કે મોટરસાઇકલ કે મૉપેડ છે કે કેમ? કાર કે જીપ કે વૅન છે? એવા સવાલો પણ સામેલ છે. નાગરિકો ઘરમાં કયું અનાજ ખાય છે, લાઇટિંગના સ્ત્રોત, ટૉઇલેટ અને એનો પ્રકાર, રસોડું, ઘરમાં ટીવી, રેડિયો વિશે પણ પૂછવામાં આવશે. 

national news new delhi national population register Lok Sabha