✕

પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનની કૅમ્પ ઑફિસમાં અને તેમના OSDના ઘરે CBIના દરોડા

07 October, 2026 01:03 PM IST  |  Punjab | Gujarati Mid-day Correspondent

સોમવારે થયેલી સુનાવણી દરમ્યાન પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે CBIને આ દાવાઓની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન

પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનની ઑફિસ સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવાનો અને કેસ નોંધવાનો સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને આદેશ આપ્યાના એક દિવસ બાદ CBIએ ગઈ કાલે ચંડીગઢમાં ભગવંત માનની કૅમ્પ ઑફિસ અને તેમના ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી (OSD) રાજબીર સિંહ ઘુમણના નિવાસસ્થાને તપાસ હાથ ધરી હતી. ઘુમણના ઘરે સાંજે ૬.૧૫ વાગ્યે દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ મુદ્દે ભગવંત માને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પરની એક પોસ્ટમાં પ્રતિક્રિયા આપતાં લખ્યું હતું કે ‘ભારતીય જનતા પાર્ટી (BJP)એ પંજાબની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મારી કૅમ્પ ઑફિસ પર CBIના દરોડા પાડવામાં આવ્યા. હવે પંજાબ સરકાર અને મને બદનામ કરવા માટે પંજાબમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) અને CBIનો દુરુપયોગ કરવામાં આવશે. મને લોકો તરફથી મળી રહેલા પ્રેમ અને સમર્થનથી BJP ગભરાઈ ગઈ છે.’
આ કેસ પંજાબ સરકારમાં હાઈ લેવલ ભ્રષ્ટાચાર વિશે ED દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સાથે સંબંધિત છે. સોમવારે થયેલી સુનાવણી દરમ્યાન પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે CBIને આ દાવાઓની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

national news india punjab haryana bhagwant mann central bureau of investigation