CBI Raid: દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના ઘરે CBIએ પાડ્યા દરોડા

19 August, 2022 12:51 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સીબીઆઈના દરોડાની માહિતી પોતે મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને આપી

ફાઇલ તસવીર

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા (Manish Sisodia)ના ઘરે CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. સત્યેન્દ્ર સિંહ બાદ હવે CBI દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાના ઘરે પહોંચી છે. આ મામલો દિલ્હીની એક્સાઇઝ પોલિસી સાથે સંબંધિત છે. સીબીઆઈએ એક્સાઈઝ કૌભાંડના સંદર્ભમાં દિલ્હીમાં 20 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ સાંકળમાં સીબીઆઈએ મનીષ સિસોદિયાના ઘરે પણ દરોડા પાડ્યા છે.

સીબીઆઈના દરોડાની માહિતી પોતે મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને આપી છે. સિસોદિયાએ કહ્યું કે “સીબીઆઈ આવી છે. તેમનું સ્વાગત છે. અમે ખૂબ જ પ્રમાણિક છીએ. અમે લાખો બાળકોના ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છીએ. તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે જે લોકો આપણા દેશમાં સારું કરી રહ્યા છે તેઓને આ રીતે હેરાન કરવામાં આવે છે. તેથી જ આપણો દેશ હજી સુધી નંબર વન નથી.”

અન્ય એક ટ્વીટમાં સિસોદિયાએ લખ્યું, "અમે સીબીઆઈને આવકારીએ છીએ. અમે તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશું જેથી સત્ય જલદી બહાર આવે. અત્યાર સુધી મારી વિરુદ્ધ ઘણા કેસ નોંધાયા છે, પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી. આમાંથી પણ કંઈ નહીં મળે. દેશમાં સારા શિક્ષણ માટેનું મારું કામ રોકી શકાશે નહીં.”

આગામી ટ્વીટમાં મનીષ સિસોદિયા કહે છે કે, "દિલ્હીના શિક્ષણ અને સ્વાસ્થ્યના ઉત્તમ કામને કારણે આ લોકો પરેશાન થઈ રહ્યા છે. તેથી જ શિક્ષણ, સ્વાસ્થ્યનું સારું કામ અટકી ગયું છે, તેથી દિલ્હીના આરોગ્ય પ્રધાન અને શિક્ષણ પ્રધાનને પકડ્યા છે. અમારા બંને પર ખોટા આરોપ છે. કોર્ટમાં સત્ય બહાર આવશે."

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે ગયા મહિને દિલ્હીની નવી એક્સાઈઝ ડ્યુટી નીતિમાં કથિત અનિયમિતતા અંગે નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સામે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ મુખ્ય સચિવ નરેશ કુમારને એક અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો હતો કે કયા સરકારી અધિકારીઓ અને વહીવટકર્તાઓએ તેમની ઇચ્છા મુજબ નવા એક્સાઈઝ ડ્યુટી નીતિ નિયમો બનાવવા, અમલમાં મૂકવા અને મનસ્વી રીતે બદલવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

national news new delhi central bureau of investigation