પાકિસ્તાનના ઇશારે આઇપીએલમાં મૅચ-ફિક્સિંગ?

15 May, 2022 08:40 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સીબીઆઇએ સાત વિરુદ્ધ કેસ દાખલ કર્યો, પાકિસ્તાનમાંથી મળતાં ઇનપુટ્સના આધારે ઇન્ડિયન પ્રીમિયર લીગની મૅચોનાં પરિણામોને પ્રભાવિત કરવાની કોશિશનો આરોપ

પ્રતીકાત્મક તસવીર

સીબીઆઇએ ૨૦૧૯ના આઇપીએલની મૅચોના કથિત ​ફિક્સિંગના બે અલગ-અલગ કેસ સંબંધમાં સાત જણની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ ફિક્સિંગકાંડમાં પાકિસ્તાનનું કનેક્શન પણ બહાર આવ્યું છે.    

સીબીઆઇએ દેશવ્યાપી તપાસ શરૂ કરી હતી. દિલ્હી, હૈદરાબાદ, જયપુર અને જોધપુરમાં સાત જગ્યાએ સર્ચ ઑપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

એફઆઇઆર અનુસાર ક્રિકેટના સટ્ટામાં સંડોવાયેલી વ્યક્તિઓનું એક નેટવર્કે પાકિસ્તાનમાંથી મળતાં ઇનપુટ્સના આધારે આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની મૅચોનાં પરિણામને પ્રભાવિત કરવાની કોશિશ કરી હતી.’

સીબીઆઇએ એનો પહેલો એફઆઇઆર દિલ્હીના દિલીપ કુમાર અને હૈદરાબાદના ગુર્રમ વાસુ અને ગુર્રમ સતીશની વિરુદ્ધ કર્યો હતો. બીજો એફઆઇઆર રાજસ્થાનના સજ્જન સિંહ, પ્રભુ લાલ મીના, રામ અવતાર અને અમિત કુમાર શર્માની વિરુદ્ધ હતો. રાજસ્થાનથી ચલાવવામાં આવતું રૅકેટ ૨૦૧૦થી સતત ચાલતું હતું જ્યારે બીજું રૅકેટ ૨૦૧૩થી ચાલતું હતું. 
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ નેટવર્ક પાકિસ્તાનથી મળતાં ઇનપુટ્સના આધારે ઑપરેટ કરાતું હતું. તેઓ સટ્ટા માટે લોકોને લલચાવીને તેમની સાથે છેતરપિંડી કરતા હતા. આ સટ્ટાખોરોની પાસે બૅન્ક અકાઉન્ટ્સ હતાં કે જે તેમણે બનાવટી ઓળખનો ઉપયોગ કરીને ખોલાવ્યાં હતાં.

આ એફઆઇઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ‘સટ્ટાની પ્રવૃત્તિથી ભારતમાં સામાન્ય લોકો પાસેથી મેળવવામાં આવતા રૂપિયામાંથી અમુક ભાગ આરોપીઓ હવાલા ટ્રાન્ઝૅક્શન્સનો ઉપયોગ કરીને વિદેશોમાં રહેલા તેમના સાથીઓને મોકલતા હતા.’

દિલ્હી-હૈદરાબાદ રૅકેટને સંબંધિત એફઆઇઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ‘આ આરોપીઓનું નેટવર્ક ૨૦૧૯ના વર્ષમાં યોજાયેલી આઇપીએલની મૅચો દરમ્યાન ક્રિકેટ સટ્ટામાં સંડોવાયેલું હતું. આ લોકો સટ્ટાનું રૅકેટ ચલાવતા હતા. સામાન્ય લોકોને સટ્ટા રમવા લલચાવીને તેમની મહેનતની કમાણી છેતરપિંડીથી લઈ લેતા હતા. સાથે જ આ લોકોની ઓળખના આધારે ખોટી રીતે જુદાં-જુદાં બૅન્ક અકાઉન્ટ્સ ઑપરેટ કરતાં હતાં.’

રાજસ્થાન ગ્રુપમાં સીબીઆઇએ આરોપ મૂક્યો હતો કે આરોપીઓ સિંઘ, મીના, રામ અવતાર અને શર્મા એક પાકિસ્તાની શકમંદની સાથે સતત કૉન્ટૅક્ટમાં હતા.

national news pakistan indian premier league ipl 2022 central bureau of investigation