કોરોનાનો તોડ, HIVની સારવારમાં વપરાતી દવા છે?

14 March, 2020 11:56 AM IST  |  New Delhi

કોરોનાનો તોડ, HIVની સારવારમાં વપરાતી દવા છે?

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસે વિશ્વને હચમચાવી દીધું છે. દુનિયાભરમાં કોરોના વાઇરસને લઈને ભયનો માહોલ છે. ભારતમાં પણ કોરોના વાઇરસને કારણે એક વ્યક્તિનું મોત થયું છે ત્યારે ભારતમાં મેડિકલ-એક્સપર્ટનું કહેવું છે કે કોરોના વાઇરસની વૅક્સિન વિકસિત કરવામાં વર્ષથી દોઢ વર્ષ લાગી શકે છે.

જોકે હવે એક સારા સમાચાર કોરોના વાઇરસના દરદીઓની સારવાર દરમ્યાન સામે આવ્યા છે, જેમાં એવા સંકેત મળ્યા છે કે એચઆઇવીની સારવાર માટે ઉપયોગમાં આવતી દવા લોપિનાવીર અને રિટોનાવીર કોરોનાના દરદીઓ માટે ઉપયોગી સાબિત થઈ રહી છે. મીડિયા-રિપોર્ટ મુજબ આ વાતની જાણ થતાં મોદી સરકારે એવી દવાઓનું પ્રોડક્શન વધારવા માટે ફાર્મા કંપનીઓને નિર્દેશ આપ્યા છે.

બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ફાર્મા કંપનીઓ સાથે લાંબી બેઠક કરી હતી, જેમાં કમિટી ઑફ એક્સપટ્ર્સે સિપ્લા, માઇલન, ઓરોબિંદો અને અન્ય કંપનીઓને ઍન્ટિ-એચઆઇવી દવાઓનો સ્ટૉક વધારવાનું કહ્યું છે. લોપિનાવીર અને રિટોનાવીર ઍન્ટિ-રેટ્રોવાઇરલ દવા છે. આ એચઆઇવીને સ્વસ્થ કોષોમાં ઘૂસવાથી રોકે છે. ભારત હાલમાં આ સમયે બન્ને દવાઓની નિકાસ આફ્રિકી દેશોને કરે છે.

મંત્રાલયના અધિકારીઓએ એક પ્રાઇવેટ મીડિયાને જણાવ્યું કે ફાર્મા કંપનીઓને બન્ને દવાઓનું પ્રોડક્શન વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. જોકે એક્સપોર્ટ પર કોઈ પણ પ્રકારની પાબંદી લગાવવામાં આવી નથી. મીડિયા-રિપોર્ટ મુજબ ઇટલીથી ભારત આવેલા દંપતીની સારવારમાં લોપિનાવીર અને રિટોનાવીર કૉમ્બિનેશનનો ઉપયોગ કરવામાં આવ્યો. આ દંપતીને જયપુરમાં કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ડીજી ડૉક્ટર બલરામ ભાર્ગવે જણાવ્યું કે દંપતી પાસેથી સંમતિ લઈને દવા આપવામાં આવી છે અને એની અસર સારી છે. ૧૪ દિવસ પછી હવે લગભગ તેઓ સ્વસ્થ છે.

new delhi coronavirus hiv national news