બિહારમાં પ્રધાનમંડળનું વિસ્તરણ, ૩૨ પ્રધાનોએ શપથ લીધા

08 May, 2026 08:40 AM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

સમ્રાટ ચૌધરીએ ગૃહવિભાગ પોતાની પાસે જ રાખ્યો, નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમારને આરોગ્ય વિભાગ

ગઈ કાલે પટનામાં નીતીશકુમાર અને નરેન્દ્ર મોદી.

બિહારમાં નવી સરકારની રચનાના બાવીસ દિવસ પછી ગઈ કાલે સમ્રાટ ચૌધરીના પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું અને જનતા દલ યુનાઇટેડ (JDU)ના સુપ્રીમો નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમાર અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન વિજય કુમાર સિંહા સહિત ૩૨ પ્રધાનોએ શપથ લીધા હતા. પટનાના ગાંધી મેદાનમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ નીતીશ કુમારની જેમ ગૃહવિભાગ સહિત ૬ વિભાગ પોતાની પાસે રાખ્યા હતા. નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમારને આરોગ્ય વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. નિશાંત પહેલી વાર પ્રધાન બન્યા છે અને હાલમાં તેઓ કોઈ પણ ગૃહના સભ્ય નથી. નાયબ મુખ્ય પ્રધાન બિજેન્દ્ર પ્રસાદ યાદવને નાણાવિભાગની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે વિજય કુમાર ચૌધરી જળ સંસાધન વિભાગ સંભાળશે. મિથિલેશ તિવારીને શિક્ષણ વિભાગ સોંપવામાં આવ્યો છે.

કયા પક્ષના કેટલા મિનિસ્ટર?
નવા પ્રધાનમંડળમાં BJPના ૧૫, JDUના ૧૩, લોક જનશક્તિ પાર્ટી (LJP-રામવિલાસ)ના બે, હિન્દુસ્તાની અવામી મોરચા (HAM)ના એક અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (RLSP)ના એક પ્રધાનનો સમાવેશ છે.

national news india bihar samrat choudhary political news indian politics nitish kumar narendra modi