CAA કાયદાથી મારી સરકારે ગાંધીજીનું સપનું પરિપૂર્ણ કર્યું : કોવિંદ

01 February, 2020 10:03 AM IST  |  New Delhi

CAA કાયદાથી મારી સરકારે ગાંધીજીનું સપનું પરિપૂર્ણ કર્યું : કોવિંદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

દેશની રાજધાની નવી દિલ્હીમાં સંસદના નવા બજેટ સત્રનો પ્રારંભ ગઈ કાલે મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનથી થયો હતો. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં મોદી સરકાર ૨.૦નાં વખાણ કર્યાં હતાં અને સંશોધિત નાગરિકતા કાયદાનો ઉલ્લેખ કરતાં જ સંસદમાં સત્તાપક્ષની પાટલીઓ તરફથી તેમને ઉમળકાભેર આવકાર મળ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના સત્તાપક્ષના સભ્યોએ ખાસ્સી વાર સુધી પાટલીઓ થપથપાવીને સમર્થન આપ્યું હતું. તો વિપક્ષ કૉન્ગ્રેસ અને અન્ય પક્ષોએ આ કાયદાની વિરુદ્ધમાં દેશભરમાં ચાલી રહેલાં વિરોધ-પ્રદર્શનનો પડઘો પાડીને એનો વિરોધ કરીને શોરબકોર મચાવતાં સદનમાં ઊહાપોહ થયો હતો અને રાષ્ટ્રપતિએ બે વાર પોતાનું સંબોધન થોડી પળ માટે અટકાવવાની ફરજ પડી હતી.

રાષ્ટ્રપતિએ નાગરિકતા કાયદા સંદર્ભે કહ્યું કે દેશના ભાગલા દરમ્યાન ભારતની જનતાને ઘણી મુશ્કેલી પડી હતી. એ વખતે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે જે હિન્દુઓ પાકિસ્તાનમાં રહેવા નથી માગતા તેઓ ભારત આવી શકે છે. મારી સરકારે નાગરિકત્વ કાયદો લાગુ કરીને બાપુની ઇચ્છા પૂરી કરી છે. સંબોધનમાં આમ રાષ્ટ્રપતિએ સીએએનો ઉલ્લેખ કર્યો કે તરત જ વિપક્ષી નેતાઓએ સંસદમાં ખળભળાટ મચાવી દીધો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. રાષ્ટ્રપતિએ આ સમયગાળા દરમ્યાન પાકિસ્તાનમાં હિન્દુઓ પર થયેલા હુમલાની નિંદા કરી હતી અને નાનકના સાહિબની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. વિપક્ષ દ્વારા શોરબકોરને કારણે મહામહિમને પોતાનું સંબોધન ૫-૧૦ સેકન્ડ અટકાવવાની ફરજ પડી હતી.

ram nath kovind caa 2019 nrc national news mahatma gandhi