કૉન્ગ્રેસ અને ગેહલોતને પાઠ ભણાવીશું : માયાવતી

29 July, 2020 11:22 AM IST  |  Lucknow | Agencies

કૉન્ગ્રેસ અને ગેહલોતને પાઠ ભણાવીશું : માયાવતી

માયાવતી

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમમાં ઝડપથી ઉતાર-ચડાવ જોવા મળી રહ્યા છે. હવે બહુજન સમાજ પાર્ટી (બીએસપી)નાં સુપ્રીમો માયાવતીએ જણાવ્યું કે રાજસ્થાનમાં ચૂંટણી બાદ કૉન્ગ્રેસને કોઈ પણ શરત વગર સમર્થન આપ્યું હતું, પરંતુ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે બીએસપીને નુકસાન પહોંચાડવા માટે અમારા તમામ ધારાસભ્યોને તેમની પાર્ટીમાં સામેલ કરી દીધા હતા.

બીએસપી સુપ્રીમોએ છ ધારાસભ્યોની કૉન્ગ્રેસમાં સામેલ થવાની ઘટનાને બંધારણની વિરુદ્ધ ગણાવતાં જણાવ્યું કે બીએસપી પહેલાં પણ કોર્ટમાં જઈ શકતી હતી, પરંતુ અમે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા, જ્યારે અશોક ગેહલોત અને કૉન્ગ્રેસને પાઠ ભણાવી શકાય. અમે હવે કોર્ટ જવાનો નિર્ણય લીધો છે.

માયાવતીએ વધુમાં જણાવ્યું છે કે અમે હવે આ મુદ્દાને જવા દઈશું નહીં. આ મામલે અમે સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. નોંધનીય છે કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કૉન્ગ્રેસે ૯૯ અને બીએસપીએ ૬ બેઠકો પર જીત મેળવી હતી. અશોક ગેહલોત અપક્ષ અને અન્ય પાર્ટીઓના ધારાસભ્યોની મદદથી બહુમતી પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા હતા, પરંતુ તેમણે સરકારની સ્થિતિને મજબૂત કરવા માટે બીએસપીના છ ધારાસભ્યોને કૉન્ગ્રેસમાં સામેલ કરી દીધા હતા.

રાજ્યપાલને સત્ર બોલાવવા ફરી પ્રસ્તાવ મોકલ્યો ગેહલોતે

રાજસ્થાનમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલ રાજકીય ડ્રામા વચ્ચે આજે ગહેલોત સરકારની કૅબિનેટ બેઠક થઈ જેમાં રાજ્યપાલની શરતો પર વિધાનસભાનું સત્ર ચાલવાના આદેશનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. રાજસ્થાન કૅબિનેટે એક વાર ફરીથી રાજ્યપાલને વિધાનસભા સત્ર બોલાવવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલે કૅબિનેટની સલાહ માનવાની હોય છે નહીંતર બંધારણીય સંકટ થશે. કૅબિનેટ રાજ્યપાલની શરતોનો સ્વીકાર નહીં કરે. અશોક ગેહલોતના આવાસ પર થયેલી બેઠક બાદ મીડિયા સાથે થયેલી વાતચીતમાં મંત્રી હરીશ ચૌધરીએ કહ્યું કે સરકાર ૩૧ જુલાઈએ વિધાનસભાનું સત્ર બોલાવવા ઇચ્છે છે નહીં કે ૨૧ દિવસની નોટિસ જારી કર્યા બાદ. બેઠકમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું કે વિધાનસભા સત્ર બોલાવવું સરકારનો હક છે. તેમણે કહ્યું કે રાજ્યપાલ કલરાજ મિશ્રા દ્વારા ઉઠાવવામાં આવેલા ત્રણ વાંધા કૅબિનેટને મંજૂર નથી.

બીએસપી-બીજેપીમાં સાઠગાંઠ : પ્રિયંકા

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય દંગલમાં હવે કૉન્ગ્રેસ વિરુદ્ધ બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ની લડાઈ શરૂ થઈ ચૂકી છે. ગઈ કાલ સવારે બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીએ પ્રેસ-કૉન્ફરન્સ કરીને કૉન્ગ્રેસ પર નિશાન સાધ્યું હતું. હવે કૉન્ગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વળતો પ્રહાર કર્યો છે અને એક વાર ફરી બીએસપીને બીજેપીનું અઘોષિત પ્રવક્તા ગણાવ્યું છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કરીને કહ્યુંુ કે બીજેપીના અઘોષિત પ્રવક્તાએ બીજેપીની મદદ કરવા માટે વ્હીપ જાહેર કર્યો છે, પરંતુ આ ફક્ત વ્હીપ નથી, લોકશાહી-સંવિધાનની હત્યા કરનારાઓની ક્લીન ચિટ છે.

mayawati congress bahujan samaj party Ashok Gehlot national news