એપીએમસીના ટોટલ અનલૉક પર લાગી બ્રેક

26 July, 2020 09:28 AM IST  |  Mumbai Desk | Bakulesh Trivedi

એપીએમસીના ટોટલ અનલૉક પર લાગી બ્રેક

એપીએમસી માર્કેટ (દાણાબંદર) અનલૉક કરવા અને એને પહેલાંની જેમ જ દરરોજ ધમધમતું કરવાની વેપારીઓ, ગ્રાહકો, દલાલભાઈઓ અને ટ્રાન્સપોર્ટરોની ઇચ્છા હતી અને એ માટે એપીએમસીમાં રજૂઆત કરવામાં આવી તથા એને માટેની ગાઇડલાઇન પણ તૈયાર કરવામાં આવી હતી અને એ સોમવારથી અમલમાં મુકાવાની હતી, પણ દરરોજ લોડિંગ-અનલોડિંગ કરતા માથાડી કામદારોના ટ્રાન્સપોર્ટેશનના ઇશ્યુને લીધે વાત અટકી છે. જોકે આ બાબતે મંગળવારે ફરીથી મીટિંગ લેવાશે અને ત્યાર બાદ એ સમસ્યાનો ઉકેલ લાવી માર્કેટ રાબેતા મુજબ ચાલુ થાય એવી શક્યતા છે.
વિશ્વભરમાં ફેલાયેલા કોરોનાને કારણે સાવચેતીના પગલે લૉકડાઉન જાહેર કરાયું હતું, પણ એ સમય દરમ્યાન પણ લોકોને અગવડ ન પડે એ માટે નવી મુંબઈની એપીએમસી માર્કેટનું દાણાબંદર જે અનાજ-કરિયાણા જેવી જરૂરી ચીજવસ્તુઓનું વેચાણ કરતું હોવાથી ચાલુ હતું. એ પછી માર્કેટમાં કોરોનાના કેસ વધવા માંડતાં થોડા સમય માટે માર્કેટ બંધ રખાઈ હતી. પછી ધીમે-ધીમે તબક્કાવાર એ ખુલ્લી મુકાઈ હતી. એકસાથે લોકોની ભીડ ન થાય એથી એપીએમસી દ્વારા એક દિવસ લોડિંગ અને એક દિવસ અનલોડિંગ એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. સોમવારથી એપીએમસીએ દરરોજ લોડિંગ-અનલોડિંગની છૂટ આપવાનું નક્કી કર્યું હતું.
એપીએમસીએ જણાવ્યું હતું કે સોમવારથી બજાર સવારે ૯થી સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. જ્યારે બહારગામથી આવતી ગાડીઓ (આવક-અનલોડિંગ) રાતે ૮ વાગ્યાથી સવારે ૧૦ વાગ્યા સુધી માર્કેટમાં લવાશે. વહેલો તે પહેલોના ધોરણે ગાડીઓને પ્રવેશ મળશે. જોકે એમાં પણ કુલ ૨૫૦ ગાડીઓને જ પ્રવેશ મળશે. જ્યારે લોડિંગ (જાવક) સવારે ૧૦ વાગ્યાથી લઈને સાંજે ૬ વાગ્યા સુધી કરી શકાશે.
જોકે સોમવારથી શરૂ થનારા આ ટાઇમ-ટેબલ પર હાલમાં બ્રેક લાગી ગઈ છે. લોડિંગ-અનલોડિંગમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા માથાડી કામદારોનો પ્રશ્ન ‍ઊભો થયો છે. દાણાબંદરના એપીએમસીના ડિરેક્ટર નીલેશ વીરાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘એપીએમસી મૅનેજમેન્ટ, પાલિકા પ્રશાસન, પોલીસ, વેપારીઓના પ્રતિનિધિ બધા મળીને આ બાબતે નિર્ણય લે છે. અત્યાર સુધી બજાર પાંચ વાગ્યા સુધી ખુલ્લું રહેતું હતું, પણ હવે એ સમય વધારીને સાંજે ૭ વાગ્યાનો કરવાનું નક્કી થયું છે. બીજું, માથાડી કામદારોને ટ્રેનમાં આવવા-જવાની પરવાનગી અપાઈ નથી એટલે તેમનો ટ્રાન્સપોર્ટેશનના પ્રશ્નનો નિવેડો લાવવો જરૂરી છે. આને માટે મંગળવારે ફરી એક મીટિંગ રખાઈ છે અને ત્યાર બાદ માર્કેટ રાબેતા મુજબ ચાલુ કરવી કે નહીં એનો સાથે મળીને નિર્ણય લેવાશે.’

apmc market mumbai news mumbai