14 January, 2025 03:51 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશમાં મધ્ય પ્રદેશ પરશુરામ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ પંડિત વિષ્ણુ રાજૌરિયાએ ઘોષણા કરી છે કે બ્રાહ્મણ સમાજનાં નવદંપતીઓ જો ચાર બાળકો પેદા કરશે તો તેમને એક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ સમાજ અને ધર્મના હિતમાં છે. સનાતન ધર્મની રક્ષા માટે યુવાનોએ સામે આવવું પડશે. આપણા પૂર્વજોએ ધર્મની રક્ષા માટે ઘણો ત્યાગ કર્યો છે. હવે એ આપણી જવાબદારી છે કે આપણે તેમની પરંપરાને આગળ વધારીએ. સમાજ અને ધર્મની સમૃદ્ધિ માટે આ પગલું જરૂરી છે.
વિષ્ણુ રાજૌરિયાને મધ્ય પ્રદેશ સરકારમાં રાજ્ય મંત્રીનો દરજ્જો પ્રાપ્ત છે. ઇન્દોરમાં આયોજિત કાર્યક્રમમાં વિષ્ણુ રાજૌરિયાએ આ જાહેરાત કરતાં કહ્યું હતું કે સમાજમાં પાખંડીઓની સંખ્યા વધી રહી છે, કારણ કે આપણે મોટા ભાગે આપણા પરિવારો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું બંધ કરી દીધું છે. મને યુવાનો પાસેથી વધારે આશા છે, કારણ કે અમે મોટી ઉંમરના લોકો પાસેથી વધુ અપેક્ષા રાખી શકીએ નહીં. ધ્યાનથી સાંભળો, ભવિષ્યની પેઢીના રક્ષણ માટે તમે જ જવાબદાર છો. યુવાનો સ્થિર થયા પછી એક બાળક બાદ અટકી જાય છે. આ ખૂબ સમસ્યારૂપ છે. તમારી પાસે ઓછાંમાં ઓછાં ચાર સંતાનો હોવાં જોઈએ. પરશુરામ બોર્ડ ચાર બાળકો ધરાવતાં યુગલોને એક લાખ રૂપિયાનો પુરસ્કાર આપશે. હું બોર્ડનો પ્રેસિડન્ટ રહું કે ન રહું, અવૉર્ડ આપવામાં આવશે. યુવાનો મને કહે છે કે શિક્ષણ મોંઘું છે, પણ એ કોઈ પણ રીતે મૅનેજ કરો, સરકારી સ્કૂલોમાં બાળકોને ભણાવો પણ ચાર બાળકોને જન્મ આપવામાં પાછળ ન રહો, નહીંતર વિધર્મીઓ આ દેશ પર કબજો કરશે.’
ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે ‘આ તેમની વ્યક્તિગત પહેલ હતી અને એ સરકારી પહેલ નથી. આ મારું સામાજિક નિવેદન છે જે એક સામુદાયિક કાર્યક્રમમાં કરવામાં આવ્યું છે. બ્રાહ્મણ સમાજ આ પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરી શકે એમ છે.’
તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે એક લાખ રૂપિયામાં ચાર બાળકોનું ગુજરાન કેવી રીતે થશે ત્યારે તેમણે કહ્યું કે બાળકોના ભરણપોષણનો ખર્ચ પણ તેઓ ખુદ ઉઠાવશે. પરશુરામ કલ્યાણ બોર્ડ પણ તેમને મદદ કરશે.
વધારે બાળકોને સારું શિક્ષણ કેવી રીતે મળશે એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે બાળકોને સરકારી સ્કૂલોમાં ભણાવવાં જોઈએ, પ્રાઇવેટ સ્કૂલો કરતાં સરકારી સ્કૂલોમાં પણ સારું શિક્ષણ મળે છે.
વિષ્ણુ રાજૌરિયાના આ નિવેદન વિશે બોલતાં કૉન્ગ્રેસના અજય યાદવે કહ્યું હતું કે ‘રાજૌરિયાએ તેમની ટિપ્પણી પર ફેરવિચાર કરવો જોઈએ. તેઓ એક વિદ્ધાન વ્યક્તિ છે, મારા મિત્ર છે. આજે વસ્તીવધારો દુનિયાની એક મોટી સમસ્યા છે. બાળકો જેટલાં ઓછાં હશે એટલું તેમનું શિક્ષણ સુનિશ્ચિત કરવું સરળ પડશે. એવો હાઉ ઊભો કરવામાં આવી રહ્યો છે કે મુસ્લિમોની સંખ્યા વધી જશે તો તેઓ હિન્દુઓને ખાઈ જશે. આ કાલ્પનિક વિચારો છે, આપણે એક થઈશું ત્યારે આપણો દેશ શક્તિશાળી બનશે.’