13 February, 2025 08:23 AM IST | Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent
કરમજિત સિંહ બક્ષી અને મુકેશ સિંહ મન્હાસ
જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં થયેલા બ્લાસ્ટમાં સેનાના બે જવાનો શહીદ થઈ ગયા હતા. ભારત-પાકિસ્તાન લાઇન ઑફ કન્ટ્રોલ નજીક પૅટ્રોલિંગ દરમ્યાન આ વિસ્ફોટ થયો હતો.
શહીદ જવાનોની ઓળખ કૅપ્ટન કરમજિત સિંહ બક્ષી અને નાયક મુકેશ સિંહ તરીકે થઈ છે.
કરમજિત સિંહ અને મુકેશ સિંહ મન્હાસનાં લગ્ન એક જ દિવસે ૨૦૨૫ની ૧૮ એપ્રિલે થવાનાં હતાં. કૅપ્ટન કરમજિતનાં લગ્ન જમ્મુની સૈનિક કૉલોનીમાં, જ્યારે મુકેશ સિંહનાં લગ્ન જમ્મુના આર એસ પુરા સેક્ટરમાં નક્કી હતાં. નાયક મુકેશ સિંહનાં લગ્ન માટે તેમના ગામ બરી કમીલામાં તડામાર તૈયારીઓ ચાલી રહી હતી.
મુકેશ સિંહના પિતા જમ્મુ-કાશ્મીર પોલીસના રિટાયર્ડ સબ-ઇન્સ્પેક્ટર છે. તેમના પરિવારમાં તેમનો એક ભાઈ છે જે ભારતીય સેનામાં સેવા આપી રહ્યો છે. મુકેશની બે બહેનો પણ છે, જેનાં લગ્ન થઈ ચૂક્યાં છે. મુકેશ સિંહના બલિદાનના સમાચાર મળતાંની સાથે જ તેમના પરિવાર અને ગામના લોકોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
સેનાના જવાનો મંગળવારે ભટ્ટલ વિસ્તારમાં પૅટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બપોરે ૩.૫૦ વાગ્યે ચોકી નજીક એક ભયાનક વિસ્ફોટ થયો હતો. સુરક્ષાજવાનો આ વિસ્ફોટનો ભોગ બન્યા હતા.