બીજેપીના સંસદસભ્યએ મનાઈ છતાં કિલ્લા પર ધરાર ઝંડો લહેરાવ્યો

02 August, 2021 03:30 PM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

જયપુરના આમાગઢમાં મીણા સમાજનો ફ્લૅગ લહેરાતાં થયો વિવાદ

ડૉ. કિરોડી લાલ મીણા

રાજસ્થાનના જયપુરમાં બીજેપીના સંસદસભ્ય ડૉ. કિરોડી લાલ મીણાએ મનાઈ છતાં આમાગઢ કિલ્લા પર ઝંડો લહેરાવ્યો છે. તેઓ આમાગઢ કિલ્લામાં પૂજા કરવા ઇચ્છતા હતા પરંતુ પોલીસે સાવધાની રાખીને પહેલેથી જ ત્યાં જવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આમાગઢ કિલ્લા પર ઝંડો લહેરાવવાનો કેસ ગરમાઈ રહ્યો છે. કૉન્ગ્રેસના ધારાસભ્ય રામકેશ મીણાએ પહેલાં કથિત રીતે આમાગઢ કિલ્લા પરનો ભગવો ઝંડો ફાડી નાખ્યો હતો અને ત્યાર બાદ કિરોડી લાલ મીણાએ આમાગઢ કિલ્લા પર મીણા સમાજનો ઝંડો લહેરાવ્યો છે. પોલીસ કિરોડી લાલ મીણાને અટકાવી શકે તે પહેલાં તેમણે મનાઈ છતાં ત્યાં ઝંડો લહેરાવી દીધો હતો.

આ ઘટના બાદ પોલીસે તેમને કસ્ટડીમાં લઈ લીધા છે, જ્યારે બીજેપીના સંસદસભ્યે કરેલા દાવા પ્રમાણે તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમણે ટ્વીટ કરીને ઝંડો લહેરાવતા હતા તે ઘટનાનો વિડિયો શૅર કર્યો છે અને લખ્યું છે કે આમાગઢ ફોર્ટથી મારી ધરપકડ કરી લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં મીણાઓનો એક વર્ગ આરએસએસ સહિતનાં હિંદુ સંગઠનો સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને દાવો કરી રહ્યો છે કે મીણાઓની એક અલગ ઓળખ છે અને તેઓ હિન્દુ નથી.

મીણા સમુદાયના નેતા અને ધારાસભ્ય રામકેશ મીણાએ થોડા દિવસ પહેલાં આમાગઢ કિલ્લામાં કથિત રીતે ભગવો ઝંડો ફાડી નાખ્યો ત્યાર બાદ વિવાદ સર્જાયો હતો.

national news jaipur bharatiya janata party