અનંતનાગમાં બીજેપીના નેતાની આતંકીઓએ ઘરમાં ઘૂસી હત્યા કરી

06 May, 2019 11:59 AM IST  |  શ્રીનગર | (જી.એન.એસ.)

અનંતનાગમાં બીજેપીના નેતાની આતંકીઓએ ઘરમાં ઘૂસી હત્યા કરી

ફાઈલ ફોટો

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે રાત્રે ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ ગુલ મોહમ્મદ મીરની આતંકવાદીઓએ ઘરમાં ઘૂસીને ગોળી મારી હત્યા કરી દીધી છે. પોલીસે જણાવ્યું કે, ત્રણ આતંકવાદી નૌગામ વિસ્તારમાં સ્થિત મીરના ઘરમાં ઘૂસ્યા અને તેની કારની ચાવી માગી અને ગાડી લઈ જતાં તેમણે મીરને ગોળી મારી દીધી.

આ હત્યાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટીકા કરી અને તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં પાર્ટીને મજબૂત કરવામાં મીરની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. દેશમાં આ પ્રકારની હિંસા માટે કોઇ જગ્યા નથી. પોલીસે જણાવ્યું કે, ગંભીર સ્થિતિમાં મીરને હૉસ્પિટલમાં સારવારઅર્થે લઇ જવામાં આવ્યા જ્યાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. અધિકારીએ જણાવ્યું કે, શંકાસ્પદને ઝડપવા માટે એ વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી છે.

વડા પ્રધાન મોદીએ મીરની હત્યા અંગે સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘હું જમ્મુ-કાશ્મીરના બીજેપીના નેતા ગુલામ મોહમ્મદ મીરની હત્યાની સખત નિંદા કરું છું. જમ્મુ-કાશ્મીરમાં પાર્ટીને મજબૂત બનાવવા માટે તેમના યોગદાનને હંમેશાં યાદ રાખવામાં આવશે. આપણા દેશમાં હિંસાને કોઇ જગ્યા નથી.’

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગયા વર્ષે રમઝાનમાં સીઝ ફાયરની જાહેરાત કરી હતી. મહેબૂબાની ઈચ્છા છે કે સરકાર આ વખતે પણ આવી જાહેરાત કરે.

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું ‘રમઝાન માસ શરૂ થવાનો છે. લોકો દિવસ-રાત દુઆ કરવા માટે મસ્જિદ જતા હોય છે. હું અપીલ કરું છું કે સરકાર ગત વર્ષની જેમ દરોડા અને સર્ચ ઑપરેશન બંધ રાખે. જેનાથી જમ્મુ-કાશ્મીરના લોકોને એક માસ સુધી રાહત મળી શકે.’

આ પણ વાંચો : આ એક્સપ્રેસ હાઈ-વે પર ફ્રીમાં ચા પીવડાવશે સરકાર

મુફ્તીએ કહ્યું ‘હું આતંકવાદીઓને અપીલ કરું છું કે રમઝાનનો મહિનો ઈબાદત અને પ્રાર્થનાનો છે. તેઓએ આ માસમાં કોઈ જ હુમલાઓ ન કરવા જોઈએ. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કેન્દ્ર સરકારે પીડીપી-બીજેપી ગઠબંધનની રાજ્ય સરકારની માગ પર રમઝાનમાં સીઝ ફાયરની જાહેરાત કરી હતી.’

national news srinagar