બિપિન રાવતની પાકિસ્તાનને ચેતવણીઃ ફરીથી કારગિલ જેવું દુ:સાહસ ન કરતા

26 July, 2019 09:02 AM IST  |  નવી દિલ્હી

બિપિન રાવતની પાકિસ્તાનને ચેતવણીઃ ફરીથી કારગિલ જેવું દુ:સાહસ ન કરતા

ભારતીય લશ્કરી દળના પ્રમુખ બિપિન રાવતે ગુરુવારે પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘૧૯૯૯માં કારગિલ યુદ્ધ પાકિસ્તાનનું એક મોટું દુઃસાહસ હતું. મને પૂરો ભરોસો છે કે ભવિષ્યમાં તેમની સેના આવી નાદાની નહીં કરે. તેઓ આપણી તાકાત જાણી ગયા છે. હવે આપણી પાસે પહેલાંથી વધુ સારાં સર્વેલન્સ ડિવાઇસ ઉપલબ્ધ છે. એનાથી ક્યાંયથી પણ ઘૂસણખોરીનો પત્તો લગાવી શકાય છે. આજે ૨૬ જુલાઈએ કારગિલ યુદ્ધનાં ૨૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે.આપણા જવાનો ઊંચાઈ પર ચોક્કસ છે. બીજી તરફ પાકિસ્તાનની સેના તહેનાત છે. અમે હંમેશાં તેમને બૅકફુટ પર રાખ્યા છે અને આગળ પણ રાખીશું. હવે પાકિસ્તાન ક્યારેય કારગિલ જેવી ભૂલ નહીં કરે.’

સેનાપ્રમુખને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના નિવેદન વિશે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. ઇમરાન ખાને અમેરિકાના પ્રવાસમાં કહ્યું હતું કે ‘૧૪ ફેબ્રુઆરીએ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સ્થાનિક લોકો સામેલ હતા. પાકિસ્તાનનો એમાં કોઈ હાથ નથી.’ એના પર જનરલ રાવતે કહ્યું કે ‘અમે સત્યથી સંપૂર્ણપણે વાકેફ છીએ. એથી કોઈ એક નિવેદનને લઈને આગળ નહીં વધી શકીએ. અમારી ગુપ્ત એજન્સીઓએ આ હુમલામાં જરૂરી પુરાવા મેળવ્યા છે.’

આ પણ વાંચોઃ Kiran Acharya: ભૂરી આંખ ધરાવતી ગુજ્જુ એક્ટ્રેસના એક્સેપ્રેશનના છે લાખો લોકો દિવાના

મહત્ત્વપૂર્ણ છે કે ૨૬ જુલાઈએ ‘કારગિલ વિજય દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ૬૦ દિવસ સુધી ચાલેલા યુદ્ધમાં ભારતની જીત થઈ હતી. ત્યાર બાદ ૨૬ જુલાઈએ ‘કારગિલ વિજય દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.ઇમરાન ખાને વૉશિંગ્ટન સ્થિત યુએસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પીસમાં સ્વીકાર્યું હતું કે પાકિસ્તાનમાં કેટલાક આતંકવાદીઓ કાશ્મીરમાં લડાઈ લડ્યા હતા. પુલવામા હુમલાને લઈને ઇમરાન ખાને કહ્યું કે જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી હતી જે ભારતમાં પણ સક્રિય છે.

national news kargil war