પ. બંગાળમાં રેલ અકસ્માત! બીકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના 6 ડબ્બા પાટાં પરથી ગબડ્યા

13 January, 2022 08:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં એક ટ્રેન અકસ્માત થયો છે. બીકાનેર-ગુવાહાટી એક્સપેરસ ટ્રેનના કુલ 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે આઇસ્ટોક

Bikaner Express derailed: પશ્ચિમ બંગાળના જલપાઈગુડી વિસ્તારના મેનગુડમાં બીકાનેર એક્સપ્રેસ (15633) પાટા પરથી ઉતરી ગઈ છે. અકસ્માતમાં 5 લોકોના નિધન અને 40 પ્રવાસીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આ ટ્રેન રાજસ્થાનના બીકાનેરથી આસામના ગુવાહાટી જઈ રહી હતી. આ દરમિયાન મેનાગુડી પાર કરતી વખતે આ અકસ્માત સર્જાયો. માહિતી મળતા જ રેલવે પોલીસ પ્રશાસન સહિત જિલ્લાના આલા અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રાહત કાર્ય શરૂ કરી દીધું છે. અકસ્માતનો શિકાર બનેલા લોકોને ટ્રેનના ડબ્બામાંથી કાઢ્યા પછી સ્થાનિક હૉસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે.

ઘટના ગુરુવારે સાંજે લગભગ 5.15 વાગ્યાની આસપાસની છે. બીકાનેર એક્સપ્રેસ ટ્રેનના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને પ્રવાસીઓથી ભરેલા 4 ડબ્બા સંપૂર્ણ રીતે ઊંધા વળી ગયા. આમાંથી એક ડબ્બો પાણીમાં પણ પડ્યો, જેમાં ફસાયેલા પ્રવાસીઓને કાઢવામાં આવી રહ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં અને નજીકના કોઈપણ સ્ટેશન પર કોઈ સ્ટૉપ નહોતો અને ટ્રેન વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન મદદ માટે બચાવદળને આવવામાં સમય લાગ્યો. જો કે, રેલવે બૉર્ડના ચેરમેન અને એનડીઆરએફની 2 ટીમ સહિત સ્થાનિક બચાવ અભિયાન દળ ઘટના પર પહોંચવા માટે નીકળી ચૂક્યા હતા.

ઇજાગ્રસ્ત પ્રવાસીઓને સારવાર આપવા માટે 51 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ માટે રવાના કરી દેવામાં આવી અને જલપાઈગુડીથી રિલીફ ટ્રેનન મોકલવામાં આવી છે. ઉત્તર બંગાળના મેડિકલ કૉલેજ અલર્ટ પર રાખવામાં આવ્યા છે. બધા ડૉક્ટર અને મેડિકલ સ્ટાફને શક્ય તેટલા વહેલા રિપૉર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે.

જલપાઈગુજીના ડીએમએ માહિતી આપી છે કે ટ્રેન અકસ્માતમાં લગભગ 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. બધા જ ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલવામાં આવી રહ્યા છે. તો, CPRO રેલવે કૅપ્ટન શશિકિરણે જણાવ્યું કે આ અકસ્માતના સમાચાર બાદ તે પ્રવાસીઓના પરિવારજનો માટે હેલ્પલાઈન નંબર 0151-2208222 જાહેર કરવામાં આવ્યો જ્યારે જયપુરના લોકો માટે હેલ્પલાઈન નંબર-0141-2725942 રેલવેએ જાહેર કર્યો. આ નંબર પર કૉલ કરીને સંપૂર્ણ સ્થિતિ જાણી શકાય છે.

બીકાનેર એક્સપ્રેસનાં S-3થી લઈને S-13 અને D-2 કોચ પાટા પરથી ઉતર્યા છે. પાટા પરથી ઉતરેલા કોચમાં 1053 લોકો પ્રવાસ કરી રહ્યા હતા. જેમાંથી 177 બીકાનેરમાંથી ચડ્યા હતા. તો આખી ટ્રેનમાં 1200થી વધારે પ્રવાસીઓ યાત્રા કરી રહ્યા હતા.

પાંચ લાખ રૂપિયા વળતર
રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્રેન અકસ્માતમાં મૃતકોના પરિવારજનો માટે 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયા અને સામાન્ય ઇજાગ્રસ્તોને 25 હજાર રૂપિયા આપવામાં આવશે. રેલ મંત્રી પણ શુક્રવારે સવારે દિલ્હીથી ઘટનાસ્થળે જશે.

ટ્રેન અકસ્માતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વાત કરી. જણાવવાનું કે સીએમ મમતા કોવિડ-19 થકી નીપજેલી સ્થિતિને લઈને આયોજિત મીટિંગમાં પીએમ મોદી સાથે વીડિયો કૉન્ફ્રેંસિંગમાં હાજર હતી. તો, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પણ મમતા બેનર્જી સાથે અકસ્માત વિશે વાત કરી છે.

national news west bengal