Bihar: બે સુપરફાસ્ટ ટ્રેનોએ લોહીયાળ કર્યો ટ્રેક! ચારસો ઘેટાંના કરુણ મોત

11 August, 2025 08:32 AM IST  |  Bihar | Gujarati Mid-day Online Correspondent

Bihar: બે ટ્રેનોએ ઘેટાંના ટોળાને કચડી નાખ્યું હતું. ચારસોથી વધુ ઘેટાં મૃત્યુ પામ્યા હોઈ 18-20 લાખનું નુકસાન થયું હોવાનો અંદાજ છે

પ્રતીકાત્મક તસવીર

બિહાર (Bihar)માંથી એક દર્દનાક અકસ્માતના સમાચાર મળી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર પંડિત દિનદયાળ ઉપાધ્યાય પટના રેલ ખંડના સીકરિયા-બ્નાહી સ્ટેશન પાસે મોટો અકસ્માત થયો. અહીં બે ટ્રેનોએ ઘેટાંના ટોળાને કચડી નાખ્યું હતું. આશરે ચારસો જેટલાં ઘેટાં મોતને ભેટ્યાં છે. આ ઘેટાંના ટોળા પર શિયાળ અને કૂતરાઓએ હુમલો કર્યો હતો. તેઓના હુમલાથી બચવા માટે ઘેટાં અચાનકથી રેલવે ટ્રેક ક્રોસ કરવા લાગ્યા હતા તે દરમિયાન ટ્રેક પર આવી રહેલી પુરપાટ ટ્રેને આ તમામ ઘેટાંને કચડી નાખ્યા હતા.

Bihar: રેલવે ટ્રેક નજીક બનેલી આ ઘટનાનો એક વિડિયો પણ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે. અનેક ઘેટાં મૃત હાલતમાં જોવા મળે છે. આખો રેલવે ટ્રેક પર રક્તથી ખરડાઈ ગયો હતો. કોઈ ગામવાસીએ જણાવ્યું હતું કે અહીં બે ગામ વચ્ચે રેલવે લાઇન છે. ત્યાં જ આ દુર્ઘટના બની છે. ચારસોથી વધુ ઘેટાં મૃત્યુ પામ્યા હોઈ 18-20 લાખનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. અહીં રહેતો ભરવાડ સમુદાય ખાસ કરીને જંગલો, ઝાડીઓ અને ટેકરીયાળા વિસ્તારમાં રહેતા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો તેમણે આ ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા હતા. ગામલોકોએ આ ઘટના અંગે સર્કલ અધિકારી અને સ્થાનિક ધારાસભ્ય રાહુલ તિવારીને પણ જાણ કરી છે. ગામલોકોએ (Bihar) કહ્યું કે  તેઓને મદદ માટે સકારાત્મક જવાબ પણ મળ્યો છે. ગામલોકોએ કહ્યું કે ઘેટાં ઉછેરનારા ખેડૂતોનો આ મુખ્ય વ્યવસાય છે અને તેઓ આમાંથી તેમની આજીવિકા કમાય છે. તેમની પાસે જમીન નથી. તેમના પૂર્વજો પણ ઘેટાં ઉછેરતા હતા અને આ લોકો ઘેટાં પણ ઉછેરતા હતા. અકસ્માતને પગલે આ રૂટ પર ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. બાદમાં ઘેટાંના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ઘેટાંનો ઉછેર કરનાર ભરવાડ કોમના લોકો જણાવે છે કે શુક્રવારે સાંજે બાંકટ (Bihar) ગામ પાસે અમે અમારા ઘેટાં એક તરફ મુકીને બાજુમાં આરામ કરવા માટે ગયા હતા. પરંતુ શનિવારે સવારે જ્યારે અમે જાગ્યા ત્યારે અમને અમારું એક પણ ઘેટું દેખાયું નહીં. તપાસ દરમિયાન ઘેટાંના મૃતદેહો રેલવે ટ્રેક પર મળી આવ્યા હતા. બંકટ ગામના ભરત પાલ, જગદીશ ભગત, ઉદયનારાયણ પાલ, માર્કંડે પાલ, મનરાખાન પાલ, જીતેન્દ્ર પાલ અને શ્રીભગવાન પાલ જેવા ભરવાડોના કુલ ચારસોથી પણ વધારે ઘેટાં કચડાઈ મર્યા હતા.  ઘટના બાદ સ્થાનિક ધારાસભ્ય રાહુલ તિવારી પીડિતોના પરિવારોને મળવા માટે બાંકટ ગામમાં પહોંચ્યા હતા અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પીડિત પરિવારોને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. તેમણે પીડિત પરિવારોને આર્થિક સહાય પણ કરી હતી. પીડિતાના પરિવારે શાહપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 

national news india bihar train accident indian government