મોદી છે બૉસ

11 November, 2020 11:52 AM IST  |  Patna | Agency

મોદી છે બૉસ

મોદી

બિહારમાં આખા દિવસની કશમકશ પછી એનડીએ અને નીતિશ કુમાર હારેલી બાજી ફરી જીતી રહ્યા છે, એનાં કારણો ચર્ચાનો વિષય બન્યાં છે. ફક્ત એનડીએના નેતાઓ જ નહીં, રાજકીય નિષ્ણાતો પણ માને છે કે બિહારમાં મોદીનો જાદુ એવો ચાલ્યો છે કે બાજી પલટાઈ ગઈ છે. બિહારમાં કોરોનાકાળને લીધે પાછા આવેલા લોકોમાં બેરોજગારી અને ચોમાસામાં સ્થાનિક નદીઓમાં પૂર વેળાની મુશ્કેલીઓને કારણે નીતિશકુમાર તરફ લોકો નારાજ હતા. એ ઉપરાંત ઍન્ટિ-ઇન્કબન્સીનો માહોલ હતો. એ વાત સમજીને લોકજનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાને એનડીએથી છેડો ફાડી નાખ્યો હતો, પરંતુ વડા પ્રધાનની જાહેર સભાઓએ માહોલ બદલી નાખ્યો હોવાનું લાગે છે. વળી વડા પ્રધાને ૧૨ જાહેર સભાઓમાં એક પણ વખત ચિરાગ પાસવાનનો ઉલ્લેખ નહીં કરીને તેમની જે રીતે અવગણના કરી એ નીતિ સફળ રહી હતી.

પટનામાં બીજેપીના વિજયની ઉજવણી કરતી મહિલા કાર્યકરો. તસવીર : પી.ટી.આઇ.

બિહાર એનડીએનું જ

તેજસ્વી યાદવને પનો ટૂંકો પડ્યો, તેમ છતાં પાર્ટીએ સૌથી વધુ બેઠકો મેળવી , નીતીશ કુમારની જેડી-યુ ત્રીજા ક્રમાંક પર ફેકાયુ, એક્ઝિટ પોલ ખોટા પડ્યા

બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ ૧૨૫ સીટ મેળવીને ફરી સત્તા પર આવ્યું છે. મહાગઠબંધન કુલ ૧૧૦ બેઠક મેળવી છે. સ્પષ્ટ બહુમતી માટે ૨૪૩ સીટમાંથી ૧૨૨ સીટ મેળવવી જરૂરી છે. જોકે આરજેડીએ છેક સુધી એવો દાવો કર્યો હતો કે બિહારે પરિવર્તન કરી દીધું છે અને મહાગઠબંધનની સરકાર બનવાનું નક્કી છે. આરજેડીએ કહ્યું છે કે દરેક જિલ્લામાં મળતી માહિતી પ્રમાણે સ્થિતિ અમારી ફેવરમાં છે.

બિહાર ચૂંટણીના રુઝાનમાં એક કલાકમાં બે સરકાર બનતી જોવા મળી રહી છે. સવારે ૯ વાગ્યે મહાગઠબંધનને ૧૨૦ સીટ મળી હતી અને એનડીએ ૯૦+ સીટ પર હતી. ૧૦ વાગતાં-વાગતાં તસવીર બદલાઈ ગઈ. હાલમાં એનડીએ વધીને ૧૨૨ પહોંચી ગઈ અને મહાગઠબંધન ઘટીને ૧૧૧ પર આવી ગઈ છે.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રારંભિક તબક્કે તીવ્ર રસાકસી પછી હવે એનડીએની સરસાઈ સતત વધી રહી છે અને મહાગઠબંધન પણ સાવ પાછળ નથી.

ત્રણ તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં ૭.૩૪ કરોડ મતદાતામાંથી ૫૭.૦૫ ટકાએ મતદાન કર્યું. ૨૦૧૫માં ૫૬.૬૬ ટકા મતદાન થયું હતું. આ વખતે ૩૭૩૩ ઉમેદવાર મેદાનમાં છે, જેમાંથી ૩૩૬૨ પુરુષ, ૩૭૦ મહિલાઓ અને ૧ ટ્રાન્સજેન્ડર છે.

બીજેપીને રાજ્યમાં ૨૦૧૫થી વધુ બેઠકો મળતી હોય એવું લાગે છે. હમણાં સુધી બીજેપી ૭૪ બેઠક મેળવી શકી છે. ૨૦૧૫માં એ ૫૩ બેઠક જીતી હતી. જેડીયુને આશરે ૨૦થી ૨૫ સીટનું નુકસાન થઈ રહેલું જોવા મળે છે. એને ૪૩ બેઠકો મળી શકે છે. બીજી તરફ આરજેડી પણ ૭૫ બેઠક જીત્યું હતું. આમ તે રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકે આગળ આવ્યું છે.

બિહારમાં બીજેપી અને જેડીયુની ભૂમિકા અને સ્થિતિ બન્ને બદલાશે. જેડીયુ અત્યાર સુધીમાં બિહારમાં બીજેપીના મોટા ભાઈની ભૂમિકામાં હોય છે. સીટોની વહેંચણીમાં પણ આ જોવા મળ્યું હતું. નીતીશ કહી રહ્યા છે કે અમે બિહારમાં રાજનીતિ કરીશું, બીજેપી કેન્દ્રમાં રાજનીતિ કરે.

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં બીજેપી અને જેડીયુએ ૧૭-૧૭ બેઠક પર અને એલજેપી ૬ બેઠક પર ચૂંટણી લડ્યાં હતાં. બીજેપીએ તેના ક્વૉટામાં તમામ ૧૭ બેઠક જીતી લીધી હતી. જેડીયુ ૧૭માંથી ૧૬ બેઠક જીત્યું, જ્યારે એલજેપી પણ તેના ક્વૉટામાં તમામ ૬ બેઠક જીત્યું હતું.

અબ્દુલ બારી સિદ્દીકીની વિધાનસભા ચૂંટણીમાં હાર

બિહાર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ ધીમે-ધીમે સામે આવી રહ્યાં છે. મહાગઠબંધન માટે માઠા સમચાર છે. આરજેડીના મુખ્ય ચહેરો ગણાતા દિગ્ગજ નેતા અને લાલુ યાદવની સરકારમાં પ્રધાન રહી ચૂકેલા અબ્દુલ બારી સિદ્દીકીએ કેવટી બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે. બીજેપીના ઉમેદવારે તેમને માત આપી છે.

ચિરાગે બગાડી નીતીશની બાજી

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ગઈ કાલે ચિરાગ પાસવાન અનુભવી અને વરિષ્ઠ નેતા નીતીશ કુમાર પર ભારે પડતો જોવા મળ્યો હતો. વાસ્તવમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) બાદ જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) ત્રીજા ક્રમે પહોંચી જતાં નીતીશ કુમાર માટે સમસ્યાઓ ઊભી થઈ ગઈ હતી. જોકે બીજેપીએ પહેલાં જ સ્પષ્ટતા કરી દીધી હતી કે ચૂંટણીનું પરિણામ કાંઈ પણ આવે, એનડીએના ગઠબંધનના નેતા તરીકે નીતીશ કુમાર જ બનેલા રહેશે, પણ બીજેપી સામે એક મોટા અંતરથી સીટો ઓછી આવતાં પરિસ્થિતિ નાજુક બની ગઈ હતી.

નિષ્ણાતોનું માનવું છે કે જેડીયુની સીટ ઓછી કરાવવામાં બીજેપીનો હાથ છે. બીજેપીએ ચિરાગ પાસવાનને આગળ કરીને નીતીશ કુમારના પાયા હચમચાવી દીધા હતા. ચિરાગ પાસવાનની એલજેપીએ જેડીયુના વોટ કપાવી બીજેપી માટે આગળ વધવાનો માર્ગ મોકળો કરી દીધો હતો. વળી, નીતીશ કુમારથી બિહારના મતદાતાઓ નારાજ હોવાના મુદ્દાને બીજેપીએ પોતાના પક્ષમાં વાપર્યો હોવાનો ફાયદો તેમને મળ્યો છે. બીજી તરફ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એમઆઇએમઆઇએમ દ્વારા આરજેડી અને કૉન્ગ્રેસને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે. એમઆઇએમઆઇએમ દ્વારા મોટી સંખ્યામાં આ બન્ને પક્ષને મળનારા મતો કાપ્યા છે.

અમે તેજસ્વીથી નહીં, કોરોનાને કારણે હાર્યા છીએ : ત્યાગી

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય પ્રધાન નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)ના પ્રવક્તા કેસી ત્યાગીએ પોતાનો પરાજય સ્વીકારી લીધો છે.

એક ટીવી-ચૅનલ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે અમને તેજસ્વી યાદવે નહીં, પરંતુ પ્રાકૃતિક મુશ્કેલીએ હરાવ્યા છે. ન તો બ્રૅન્ડ નીતીશ ગાયબ થયા છે અને ન તો તેજસ્વી યાદવ સ્થાપિત થયા છે. નોંધનીય છે કે હજી સુધી ચૂંટણીનાં પરિણામ જાહેર થયાં નથી, એવામાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. આ મુકાબલો એવો છે કે આમાં પરિણામને લઈને કોઈ પણ અનુમાન લગાવવું અત્યંત મુશ્કેલીભર્યું બની ગયું છે.

કેસી ત્યાગીએ કહ્યું કે અમે બિહારની જનતાના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ, અમે આરજેડી અથવા તેજસ્વી યાદવથી નથી હાર્યા, પરંતુ રાષ્ટ્રીય મુશ્કેલીને કારણે હાર્યા છીએ. અમે ફક્ત કોરોના વાઇરસની મહામારીને કારણે જ તેમના કરતાં પાછળ ચાલી રહ્યા છીએ. અમે બિહારની છેલ્લી ૭૦ વર્ષની ખરાબ હાલતનું પરિણામ હજી પણ ભોગવી રહ્યા છીએ.

narendra modi nitish kumar bihar elections bihar patna bharatiya janata party national news