Bhima Koregaon Case: SCએ સુધા ભારદ્વાજના જામીનને પડકારતી NIAની અરજી ફગાવી

07 December, 2021 03:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

NIAની અરજીમાં બોમ્બે હાઈકોર્ટના 1 ડિસેમ્બરના આદેશને પડકારવામાં આવ્યો હતો અને હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે માંગવામાં આવ્યો હતો.

ભારતની સર્વોચ્ચ અદાલત. ફાઈલ તસવીર/પીટીઆઈ

ભીમા કોરેગાંવ કેસમાં એક્ટિવિસ્ટ સુધા ભારદ્વાજને (Sudha Bharadwaj) મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેના જામીનને સમર્થન આપ્યું છે, આ સાથે જ સુધાને 8 ડિસેમ્બરે જામીન પર મુક્ત કરવાનો માર્ગ સાફ થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે સુધા ભારદ્વાજના જામીન સામે  NIAની અરજીને ફગાવી દીધી છે અને ડિફૉલ્ટ જામીન આપવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલામાં હસ્તક્ષેપ કરવા માટે કોઈ કારણ નથી, તેથી અરજી ફગાવી દેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, `નીચલી કોર્ટ પાસે NIA કેસની સુનાવણી કરવાનો અધિકાર નથી. પૂણેની અદાલત UAPA હેઠળ અટકાયતનો સમય વધારવા માટે સક્ષમ ન હતી કારણ કે તે NIA ની વિશેષ અદાલત ન હતી. નીચલી અદાલતે સમય ન આપ્યો હોત તો? આ એક કપરી પરિસ્થિતિ છે.`

ઉલ્લેખનીય છે કે, NIAની અરજીમાં બોમ્બે હાઈકોર્ટના 1 ડિસેમ્બરના આદેશને પડકારવામાં આવ્યો હતો અને હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે માંગવામાં આવ્યો હતો. હકીકતમાં, 1 ડિસેમ્બરે, બોમ્બે હાઈકોર્ટે 2018ના ભીમા કોરેગાંવ-એલ્ગાર પરિષદ જાતિ હિંસા કેસમાં સુધા ભારદ્વાજને ડિફોલ્ટ જામીન આપ્યા હતા. કોર્ટે સુધા ભારદ્વાજને જામીનની શરતો તૈયાર કરવા માટે 8મી ડિસેમ્બરે સ્પેશિયલ NIA કોર્ટમાં હાજર થવાનો પણ નિર્દેશ આપ્યો હતો. જો કે, કોર્ટે અન્ય 8 આરોપીઓ સુધીર દાવલે, ડૉ પી વરવરા રાવ, રોના વિલ્સન, એડવોકેટ સુરેન્દ્ર ગાડલિંગ, પ્રોફેસર શોમા સેન, મહેશ રાઉત, વર્નોન ગોન્સાલ્વિસ અને અરુણ ફરેરાની જામીન અરજીઓ ફગાવી દીધી હતી. તેની જૂન-ઓગસ્ટ 2018 વચ્ચે ધરપકડ કરવામાં આવી હતી.

ખંડપીઠે ભારદ્વાજની જામીન અરજી પર 4 ઓગસ્ટના રોજ અને 1 સપ્ટેમ્બરના રોજ અન્ય આઠ લોકોની ફોજદારી અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો. હાઈકોર્ટે જણાવ્યું હતું કે પૂણે કોર્ટ UAPA હેઠળ અટકાયતનો સમય વધારવા માટે સક્ષમ નથી કારણ કે તેને વિશેષ NIA કોર્ટ તરીકે સૂચિત કરાયું ન હતું.

national news bombay high court supreme court