પરિવાર સાવ નોધારો બન્યો

13 July, 2019 10:02 AM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

પરિવાર સાવ નોધારો બન્યો

શહિદ દિલીપસિંંહ

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં આવેલા કાનપર ગામનો રજપૂત જવાન પાકિસ્તાન તરફથી બુધવારે રાતે કરાયેલા સીઝ ફાયરના ઉલ્લંઘન દરમ્યાન ગોળી વાગતાં મૃત્યુ પામ્યો હતો. ૨૯ વર્ષના શહીદ જવાનની શુક્રવારે અંતિમક્રિયા કરવામાં આવી ત્યારે આખું ગામ એમાં જોડાયું હતું. પિતા પહેલાં જ મૃત્યુ પામ્યા હોવાની સાથે ત્રણ બહેન વચ્ચે એક જ ભાઈ હોવાથી પરિવારમાં હવે માતા, પત્ની અને પાંચ વર્ષની દીકરી સિવાય કોઈ પુરુષસભ્ય નથી બચ્યો.

બુધવારે રાતે બૉર્ડર પર પૅટ્રોલિંગ દરમ્યાન ૨૯ વર્ષનો શહીદ થયેલો જવાન દિલીપસિંહ વિક્રમસિંહ ડોડિયા કાનપર ગામના વતની કારડિયા રાજપૂત જ્ઞાતિનો હતો. ડોડિયા ૧૦ વર્ષ પહેલાં મિલિટરીમાં જોડાયો હતો અને માતા, પત્ની અને પાંચ વર્ષની પુત્રી સાથે તે જમ્મુમાં જ રહેતો હતો. લશ્કરમાં તે લાન્સ નાયક હતો.

ગુરુવારે જમ્મુથી શહીદ દિલીપસિંહનો પાર્થિવ દેહ અમદાવાદ પહોંચ્યો હતો, જ્યાં તેને રાષ્ટ્રીય સન્માન અપાયું હતું અને શુક્રવારે વતન કાનપરમાં લવાયા બાદ બપોરે અંતિમક્રિયા કરાઈ હતી ત્યારે આખું ગામ જોડાયું હતું.

પરિવાર નોધારો બન્યો

કાનપરના ડોડિયા પરિવારમાં દિલીપસિંહ એકનો એક દીકરો હતો. તેની ત્રણ બહેન સાસરે છે એ સંદર્ભે તેના કાકા જામસંગભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિલીપસિંહ ૧૦ વર્ષ પહેલાં લશ્કરમાં જોડાયો હતો એનાં એક વર્ષ બાદ પિતા વિક્રમસિંહનું અવસાન થયું હતું. ત્રણેય બહેનનાં લગ્ન લેવાયા બાદથી કાનપર છોડીને તે જમ્મુમાં પોસ્ટિંગ હોવાથી માતા, પત્ની અને પુત્રી સાથે જમ્મુ રહેવા જતો રહ્યો હતો. દિલીપસિંહ શહીદ થવાથી તેનો પરિવાર નોધારો બન્યો છે.’

પત્નીએ ભારે હૃદયે આપી સલામી

શુક્રવારે દિલીપસિંહની સ્મશાનયાત્રા નીકળી ત્યારે તેની પત્નીએ ભારે હૃદયે પતિને સલામી આપીને અંતિમ વિદાય આપી હતી. આ દૃશ્ય જોઈને આખું ગામ હિબકે ચડ્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદ-ગાંધીનગર પાસે આવેલી આ જગ્યાઓ તમે જોઈ?

ગામના ૧૫ જુવાન લશ્કરમાં

કાનપર ગામમાંથી દિલીપસિંહના કાકા માનસિંહ ડોડિયા સૌથી પહેલાં લશ્કરમાં જોડાયા હતા. ત્યાર બાદ એક-એક કરીને ૧૫ રજપૂત યુવાનો લશ્કરમાં સેવા આપી ચૂક્યા છે. દિલીપસિંહ સાથે કાકા માનસિંહનો પુત્ર પણ અત્યારે લશ્કરમાં દેશની રક્ષાની ફરજ બજાવી રહ્યો છે.

national news