ન રાષ્ટ્રવાદ, ન હિન્દુત્વ : ઝારખંડમાં બીજેપીનો સફાયો

24 December, 2019 11:28 AM IST  |  Jharkhand

ન રાષ્ટ્રવાદ, ન હિન્દુત્વ : ઝારખંડમાં બીજેપીનો સફાયો

(જી.એન.એસ.) 81 બેઠકો ધરાવનાર ઝારખંડ રાજ્યની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો એક્ઝિટ પોલની જેમ જ આવ્યાં છે. આજે સવારથી જ મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ઉતાર-ચઢાવ બાદ બપોર બાદ જેએમએમ-કૉન્ગ્રેસ અને આરજેડીના બનેલા ગઠબંધને બીજેપીને પછાડીને નવી સરકાર બનાવવા તરફ પ્રયાણ શરૂ કર્યું હતું. સંભવિત નવા સીએમ અને જેએમએમના નેતા હેમંત સોરેને પોતાની જીત પ્રજાને સમર્પિત કરી હતી. એ સાથે જ બીજેપીએ વધુ એક રાજ્ય ગુમાવ્યું છે. બીજેપીને ૮૧માંથી ૨૫ બેઠકો અને ગઠબંધનને ૪૭ કરતાં વધારે બેઠકો મળે એમ હાલમાં મતગણતરીનાં વલણો દર્શાવે છે, જ્યારે આજસૂને-૩, જેવીએમ-૩ અને અન્ય ૪ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.

સરકાર રચવા બહુમતી માટે ૪૧ બેઠકો અનિવાર્ય છે. એ સાથે જ દેશમાં હવે બીજેપીની સરકારો માત્ર ૧૬ રાજ્યો સુધી જ સીમિત રહી ગઈ છે. ૧૬ રાજ્યોમાં દેશની ૪૨ ટકા વસ્તીનો સમાવેશ થાય છે. બે વર્ષ અગાઉ ૨૦૧૭માં ભારતમાં ૨૧ રાજ્યોમાં બીજેપીની સત્તા હતી. જોકે બીજેપીના નેતા અને ઝારખંડના સીએમ રઘુબર દાસે દાવો કર્યો કે બીજેપી હાર્યું નથી. અમે ફરીથી સરકાર બનાવીશું. જોકે સાંજે ચિત્ર સ્પષ્ટ થતાં બીજેપીએ પોતાની હાર સ્વીકારી લીધી હતી. જોકે સાજે ૮૧ બેઠકોમાંથી પહેલું પરિણામ તોરપા બેઠકનું જાહેર થયું હતું જેમાં બીજેપીના ઉમેદવાર કોચે મુંડાએ જેએમએમના સુદીપ ગુરિયાને પરાજ્ય આપ્યો હતો. દરમ્યાનમાં સાજે સોરેને પત્રકાર પરિષદ યોજીને જનાદેશ માટે મતદારોનો આભાર પણ માન્યો હતો અને સાથીપક્ષ કૉન્ગ્રેસના નેતાઓનો આભાર માન્યો હતો. ચાલુ પત્રકાર પરિષદ વખતે જેએમએમના કાર્યકરોએ ભારે આતશબાજી કરીને જીતની ઉજવણી કરી હતી અને સોરેનને પોતાનું સંબોધન પણ અટકાવવું પડ્યું હતું. આ ચૂંટણીમાં બીજેપીના નેતાઓએ હિન્દુત્વ, રામમંદિર અને રાષ્ટ્રવાદના મુદ્દાઓ પણ પ્રજા સમક્ષ રજૂ કર્યા હતા, પરંતુ એની કોઈ અસર થઈ હોય એમ નથી લાગતું. બીજી તરફ સોરેન અને સાથીપક્ષોએ ઝારખંડના સ્થાનિક મુદ્દાઓ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

ઝારખંડ વિધાનસભાની ૮૧ બેઠકો પર ગઈ કાલે સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી જેમાં શરૂઆતમાં બીજેપી અને એના સાથીપક્ષો આગળ નીકળતાં બીજેપી સરકાર બનાવે એવું ચિત્ર ઊપસ્યું હતું. જોકે જેમ-જેમ મતગણતરી આગળ વધતી ગઈ તેમ-તેમ બીજેપી પાછળ અને ઝારખંડ મુક્તિ મોરચો (જેએમએમ), કૉન્ગ્રેસ અને આરજેડીના ગઠબંધનની તરફેણમાં મતદારોનો ઝોક સ્પષ્ટ થતાં સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટીને આંચકો મળ્યો હતો. જોકે સાંજ સુધીના વલણના આધારે રાજકીય ચિત્ર બન્યું કે બીજેપી આજસુ સહિત અન્ય પક્ષો સાથે સરકાર બનાવી શકે એટલી બેઠકો મેળવવાથી દૂર છે અને જેએમએમ સહિતના પક્ષોએ ૪૪ બેઠકોમાં ઝોક સાથે બહુમતીનો ૪૧નો આંકડો પાર કરી ગયા હતા. નવા મુખ્ય પ્રધાન તરીકે જેએમએમના હેમંત સોરેનનું નામ નક્કી મનાય છે. તેઓ આ અગાઉ પણ ઝારખંડના સીએમ રહી ચૂક્યા છે.

national news bharatiya janata party congress jharkhand