સાવધાન, ઇન્ડિયામાં આઇએસની હાજરી વધી રહી છે

26 November, 2021 11:28 AM IST  |  New Delhi | Agency

આસામમાં એક ચોક્કસ કમ્યુનિટીના સેંકડો યુવાનો ગાયબ થયા, બીજેપીના એમપી ગૌતમ ગંભીરને ધમકી તેમ જ પંજાબમાં ચૂંટણી પહેલાં આઇએસઆઇની હિન્દુતરફી નેતાઓ પર હુમલો કરવાની યોજના જેવી અનેક ઘટનાઓ સ્લીપર સેલ્સ ખૂબ ઍક્ટિવ હોવા તરફ ઇશારો કરે છે

સાવધાન, ઇન્ડિયામાં આઇએસની હાજરી વધી રહી છે

ભારતમાં છેલ્લા કેટલાક સમયથી બનેલી કેટલીક ઘટનાઓએ સુરક્ષા અંગેની ચિંતા વધારી દીધી છે. આ ઘટનાઓએ કટ્ટરવાદ અને આતંકવાદ વધારવા માટેનાં કાવતરાંને છતાં કર્યાં છે, જેમ કે આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે ‘આ રાજ્યના યુવાનોમાં કટ્ટરતાનાં બીજ રોપવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે એક ચોક્કસ કમ્યુનિટીના સેંકડો યુવાનો ગાયબ છે. અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબજો જમાવ્યા બાદ આસામમાં કટ્ટરવાદ વધી ગયો હોવાની ઘટનાઓ તાજેતરમાં બની છે. પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (પીએફઆઇ) ફરી મજબૂત થવાના કારણે ન ફક્ત આસામ, પરંતુ સમગ્ર દેશમાં કટ્ટરવાદ વધ્યો છે. ભારત સરકારે પીએફઆઇ પર દેશદ્રોહી અને સમાજવિરોધી ઍક્ટિવિટીઝ કરવાનો આરોપ મૂક્યો છે. 
તાજેતરમાં કેરલામાં આરએસએસ વર્કર સંજીતની હત્યાના સંબંધમાં પીએફઆઇના એક સ્થાનિક લીડરની ધરપકડ કરવામાં આવી હતી. પીએફઆઇ મોટા ભાગે કેરલાથી સક્રિય છે. એના પર ઇન્ડિયન મુસ્લિમ યુથને કટ્ટરવાદના માર્ગે લઈ જવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. 
એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે બંગલા દેશનાં આતંકવાદી જૂથો હિફાઝત-એ-ઇસ્લામ બંગલા દેશ અને ઇસ્લામી આંદોલન બંગલા દેશની સાથે પીએફઆઇ જોડાયેલી છે. હિફાઝત-એ-ઇસ્લામ બંગલા દેશ અને ઇસ્લામી આંદોલન બંગલા દેશ એ અલ-કાયદા તેમ જ આઇએસની સાથે જોડાયેલાં જૂથો જમાતુલ મુજાહિદ્દીન બંગલા દેશ અને અન્સરુલ્લાહ બંગલા ટીમની સાથે સંકળાયેલાં છે. બંગલા દેશમાં આતંકવાદ પર પ્રેશર વધ્યું તો જમાતુલ મુજાહિદ્દીન બંગલા દેશ અને અન્સરુલ્લાહ બંગલા ટીમ હવે હિફાઝત-એ-ઇસ્લામ બંગલા દેશ અને ઇસ્લામી આંદોલન બંગલા દેશના નામે એની પ્રવૃત્તિઓ ચલાવી રહી છે. 
અલ-કાયદા અને આઇએસની સાથે સંકળાયેલાં કેટલાંક જૂથો હજી ભારતમાં છે. આ સ્થિતિ ખૂબ ચિંતાજનક હોવાનું રક્ષા નિષ્ણાતો કહે છે. હજી ૧૫ દિવસ પહેલાં જ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ આતંકવાદને સંબંધિત કેસોમાં કેરલામાંથી અનેક લોકોની ધરપકડ કરી હતી જેનાથી કેરલામાં ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના સ્લીપર સેલ્સ ઍક્ટિવ હોવાની ચિંતા વધી છે. એનઆઇએએ મોહમ્મદ અમીન, મુશબ અનવર અને રહીસ રશીદ સહિત અનેક લોકોની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. 

અલ-કાયદાના કાવતરા સંબંધે કાશ્મીરમાં પાંચ જગ્યાએ સર્ચ

નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ઇન્ડિયામાં ટેરર અટૅક્સ કરવાના અલ-કાયદાના પ્લાન સંબંધિત એક કેસમાં એની તપાસના સંબંધમાં કાશ્મીરમાં ગઈ કાલે પાંચ સ્થળોએ સર્ચ કર્યું હતું. આ કેસ શરૂઆતમાં ઉત્તર પ્રદેશની ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા લખનઉમાં દાખલ કરાયો હતો જેના પછી એનઆઇએ આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી હતી.

આઇએસની ધમકીઓ
બીજેપીના એમપી ગૌતમ ગંભીરને આઇએસઆઇએસ તરફથી બીજી વખત ધમકી મળી હતી. બીજી વખતે તેના ઘરની બહાર વિડિયો શૂટ કરવામાં આવ્યો હતો. ગંભીરને મોકલવામાં આવેલા ઈ-મેઇલમાં જણાવાયું હતું કે જો તમે તમારા પરિવારની જિંદગી ઇચ્છતા હોય તો પૉલિટિક્સ અને કાશ્મીર ઇશ્યુથી દૂર રહો. બીજી તરફ ઇન્ટેલિજન્સ એજન્સીઓએ તાજેતરમાં પંજાબ પોલીસને રાજ્યમાં બીજેપી તેમ જ હિન્દુતરફી નેતાઓની સુરક્ષા વધારવા જણાવ્યું હતું. એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે રાજ્યમાં આઇએસઆઇ હિન્દુ નેતાઓને ટાર્ગેટ કરવા ટિફિન બૉક્સમાં આઇઈડી પ્લાન્ટ કરવાની યોજના ધરાવતા હોવાની માહિતી મળ્યા બાદ તેમણે આ ચેતવણી આપી હતી. 

national news new delhi