વર્ષ ૨૦૧૭-૨૦૧૯ વચ્ચે દેશમાં ૨૪,૦૦૦ કરતાં પણ વધુ ટીનેજરોએ આત્મહત્યા કરી

02 August, 2021 08:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરીક્ષામાં નિષ્ફળતા, માનસિક અસ્થિરતા અને ડિપ્રેશન જેવાં કારણો કેટલાક જવાબદાર છે

પ્રતીકાત્મક તસવીર

વર્ષ ૨૦૧૭થી ૨૦૧૯ દરમ્યાન ૧૪થી ૧૮ વર્ષની વયના લગભગ ૨૪૦૦૦ બાળકોએ આત્મહત્યા કરી હતી, આમાંથી લગભગ ૪૦૦૦ બાળકોએ પરીક્ષામાં નાપાસ થવાને કારણે જીવન આટોપ્યું હોવાનું સરકારી આંકડાઓમાં જણાવાયું હતું.

નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરો (એનસીઆરબી) દ્વારા સંસદમાં બાળકોની આત્મહત્યા પર એક સંકલિત અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જે મુજબ ૨૦૧૭થી ૨૦૧૯ દરમ્યાન ૧૪થી ૧૮ વર્ષના કુલ ૨૪,૫૬૮ બાળકોએ આત્મહત્યા કરી હતી,

જેમાંથી ૧૩,૩૨૫ છોકરીઓ હતી. આત્મહત્યા કરનારા ૨૪,૫૬૮ બાળકોમાંથી ૮૦૨૯ બાળકોએ વર્ષ ૨૦૧૭માં, ૮૧૬૨ બાળકોએ ૨૦૧૮માં અને ૮૩૭૭ બાળકોએ ૨૦૧૯માં આત્મહત્યા કરી હતી. ૧૪થી ૧૮ વર્ષની વયજૂથના આત્મહત્યા કરનારા બાળકોમાં સૌથી વધુ ૩૧૧૫ આત્મહત્યા મધ્ય પ્રદેશમાં નોંધાઈ હતી, ત્યાર બાદના ક્રમે પશ્ચિમ બંગાળ (૨૮૦૨), મહારાષ્ટ્ર (૨૫૨૭) અને તામિલનાડુ (૨૦૩૫) છે.

13325 - આટલી છોકરીઓનો આત્મહત્યા કરનાર કુલ ૨૪,૫૬૮ ટીનેજરોમાં સમાવેશ હતો.

national news new delhi