07 May, 2025 02:34 PM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
૨૦૦ વર્ષ જૂના વડના ઝાડને બંગલાદેશના કટ્ટરવાદીઓએ કરવતથી કાપી નાખ્યું
બંગલાદેશમાં હિન્દુઓને વડના વૃક્ષની પૂજા કરતા રોકવા માટે કટ્ટરપંથીઓએ કરવત લઈને વડનું ૨૦૦ વર્ષ પ્રાચીન ઝાડ કાપીને જમીનદોસ્ત કરી નાખ્યું હતું. મદારીપુર જિલ્લાના શિરાખારા યુનિયનના આલમ મીર કંડી ગામમાં આવેલા વડના આ ઝાડને કાપવા માટે ફતવો બહાર પાડવામાં આવ્યો હતો. આ ઝાડ હિન્દુઓની આસ્થાનું પ્રતીક હતું અને તેઓ આ ઝાડની પૂજા કરતા હતા અને દીવો કરતા હતા. બંગલાદેશના ઘણા સોશ્યલ મીડિયા યુઝર્સે ઝાડ કાપવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યો છે, જેમાં દેખાય છે કે પારંપરિક મુસ્લિમ ડ્રેસમાં આવેલા લોકો વડના ઝાડને કરવતથી કાપી રહ્યા છે.
આ ઝાડને કાપવા માટે ફતવો જાહેર કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોમાં માન્યતા હતી કે આ વૃક્ષમાં ચમત્કારિક શક્તિ છે અને એની નીચે માગવામાં આવતી ઇચ્છાઓ પૂરી થાય છે અને લોકો ઇચ્છા પૂરી થતાં એની નીચે દીવો કે મીણબત્તી પ્રગટાવતા હતા. આથી કેટલાક કટ્ટરપંથી મૌલવીઓએ એને શિર્ક એટલે કે ઇસ્લામમાં અલ્લાહની સાથે કોઈ બીજાને જોડવાની હરકત માનીને ફતવો જાહેર કર્યો હતો. કટ્ટરવાદીઓએ શુક્રવારે એથી ઝાડને કરવત અને કુહાડીથી કાપી નાખ્યું હતું.