ગાંધીજીનો સ્વતંત્રતા સંગ્રામ ડ્રામા: BJP અનંત હેગડેના નિવેદનથી વિવાદ

04 February, 2020 07:44 AM IST  |  Bangalore

ગાંધીજીનો સ્વતંત્રતા સંગ્રામ ડ્રામા: BJP અનંત હેગડેના નિવેદનથી વિવાદ

અનંતકુમાર હેગડે

બીજેપીના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અનંત કુમાર હેગડેએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્વતંત્રતા માટે કરવામાં આવેલી લડાઈને નાટક ગણાવ્યું છે. જી હા, રવિવારે એક કાર્યક્રમમાં હેગડેએ કહ્યું હતું કે ‘સ્વતંત્રતાનો સંપૂર્ણ સંઘર્ષ જ બનાવટી હતો અને એને અંગ્રેજ સામ્રાજ્યનું સમર્થન મળ્યું હતું. એ સમયના નેતાઓએ એક પણ વખત પોલીસનો માર ખાધો નહોતો. તેમનું સ્વતંત્રતા માટેનું આંદોલન ડ્રામા હતું. આ મોટા નેતાઓએ અંગ્રેજોની પરવાનગી બાદ આ ડ્રામા કર્યો હતો. આ કોઈ અસલી લડાઈ નહોતી, એ માત્ર દેખાવ પૂરતો સંઘર્ષ હતો.’

હેગડેએ આટલેથી અટકવાને બદલે વધુમાં કહ્યું કે ‘અસલમાં ભારતનો સ્વતંત્રતા સંગ્રામ વાસ્તવિક લડાઈ નહોતી. એ સામંજસ્યના આધારે રચવામાં આવેલો સ્વતંત્રતા સંગ્રામ હતો.’

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને એમ પણ કહ્યું હતું કે ‘જે લોકો કૉન્ગ્રેસનું સમર્થન કરતા હતા તેઓ એમ જ કહેતા હતા કે ભારતને આઝાદી ભૂખહડતાળ અને સત્યાગ્રહથી મળી. એ ખરું નથી. અંગ્રેજોએ સત્યાગ્રહને લીધે દેશ છોડ્યો નહોતો. તેમણે આપણને આઝાદી નિરાશાને લીધે આપી હતી. જ્યારે હું ઇતિહાસ વાંચુ છું ત્યારે મારું લોહી ઊકળી ઊઠે છે. આવા લોકો આપણા દેશમાં મહાત્મા બની જાય છે.’

૨૦૧૪થી ૨૦૧૯ના વર્ષ સુધી હેગડે કેન્દ્ર સરકારમાં કૌશલ્ય વિકાસ પ્રધાન હતા.

બીજેપી નારાજ: માફીની માગણી

કર્ણાટકની ઉત્તર કન્નડ લોકસભા બેઠક પરથી બીજેપીના સંસદસભ્ય અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અનંત હેગડેના વિવાદિત નિવેદનથી બીજેપી નારાજ છે. સૂત્રોએ જણાવ્યા મુજબ પાર્ટીએ તેમને બિનશરતી માફી માગવાનું કહ્યું છે. આ ઉપરાંત તેમને પાર્ટીની સંસદીય પાર્ટીની બેઠકમાં ભાગ લેવાની પર મનાઈ ફરમાવવામાં આવી છે.

ગાંધીજીને દેશપ્રેમનું સર્ટિફિકેટ નથી જોઈતું: કૉન્ગ્રેસ

કૉન્ગ્રેસના નેતા જયવીર શેરગિલે અનંતકુમાર હેગડેના નિવેદન વિશે કહ્યું હતું કે ‘મહાત્મા ગાંધીને દેશપ્રેમનું સર્ટિફિકેટ એ પાર્ટી પાસેથી નથી જોઈતું જે ગોરાઓના ચમચા હતા. અનંત હેગડે એક એવા સંગઠનમાંથી આવે છે જે ત્રિરંગાનો વિરોધ કરે છે, બંધારણનો વિરોધ કરે છે,. જેમણે ભારત છોડો આંદોલનનો વિરોધ કર્યો હતો.’

બીજેપીની બૌદ્ધિક નાદારી દર્શાવે છે નિવેદન

મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળની આઝાદીની ચળવળ વિશે બીજેપીના નેતા અનંતકુમાર હેગડેએ કરેલી ટિપ્પણી બીજેપીની આગેવાનીની ‘બૌદ્ધિક નાદારી’ છતી કરે છે એમ મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના પ્રમુખ બાળાસાહેબ થોરાતે સોમવારે જણાવ્યું હતું.

bengaluru national news bharatiya janata party congress mahatma gandhi