'દેશના સ્વતંત્રતાના રક્ષણ માટે બંધારણ અને લોકશાહીના જતનની જરૂર'

16 August, 2019 11:57 AM IST  |  મુંબઈ

'દેશના સ્વતંત્રતાના રક્ષણ માટે બંધારણ અને લોકશાહીના જતનની જરૂર'

બાળાસાહેબ થોરાત

દેશના સ્વાતંત્ર્યના રક્ષણ માટે બંધારણ અને લોકશાહીને જાળવવાની અનિવાર્યતા ગઈ કાલે કૉન્ગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ બાળાસાહેબ થોરાતે દર્શાવી હતી. સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કૉન્ગ્રેસના રાજ્ય એકમના મુખ્યાલય ટિળક ભવન ખાતે ધ્વજવંદન બાદ સંબોધન કરતાં થોરાતે બંધારણ અને લોકશાહીના રક્ષણ માટે લડત આપવા સજ્જ રહેવાનો પક્ષના કાર્યકરોને અનુરોધ કર્યો હતો.
બાળાસાહેબ થોરાતે કૉન્ગ્રેસના કાર્યકરોને સંબોધતાં જણાવ્યું હતું કે ‘આપણા પૂર્વજોએ આઝાદી માટે લડીને જીવનનું બલિદાન આપ્યું હતું. આપણને સૌને સમાન અધિકારો મળ્યા અને રાષ્ટ્રે પ્રગતિ કરી છે, પરંતુ કેટલાક લોકો બંધારણને બદલવાની વાતો કરતા હોવાથી એવા બદઇરાદા સામે લડવા માટે કૉન્ગ્રેસે તૈયાર રહેવું જોઈએ.’
મુંબઈ પ્રદેશ કૉન્ગ્રેસના કાર્યકારી પ્રમુખ એકનાથ ગાયકવાડે આઝાદ મેદાન સ્થિત કાર્યાલય ખાતે ધ્વજવંદન કર્યું હતું. રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના મુંબઈ સ્થિત કાર્યાલયના પરિસરમાં પક્ષનાં સંસદસભ્ય સુપ્રિયા સૂળેના હસ્તે ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. સુપ્રિયા સૂળેએ પ્રાસંગિક વક્તવ્યમાં પૂરગ્રસ્તોને સહાય માટે સમગ્ર રાજ્યની એકજૂટતા વ્યક્ત કરી હતી. બીજેપીના રાજ્ય એકમના મુખ્યાલય ખાતે પણ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
મુંબઈ વડી અદાલત ખાતે રાજ્યના વડા ન્યાયમૂર્તિ પ્રદીપ નાંદ્રાજોગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કર્યું હતું. મુંબઈ મહાનગરપાલિકા, શહેર અને ઉપનગર ક્ષેત્રોની કલેક્ટર કચેરીઓ તથા અન્ય સરકારી ઇમારતો અને મહાનગરની શિક્ષણ સંસ્થાઓ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

mumbai congress