14 February, 2025 08:17 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
રામ મંદિરના મુખ્ય મહંત આચાર્ય સત્યેન્દ્ર દાસ
અયોધ્યાના રામ મંદિરના મુખ્ય મહંત આચાર્ય સત્યેન્દ્ર દાસને સરયૂ નદીમાં જળસમાધિ આપવામાં આવી હતી. આચાર્યની અંતિમયાત્રામાં હજારો લોકો ઊમટી આવ્યા હતા. તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન રામ ગોપાલ મંદિરથી નીકળી હતી અને શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે રામ મંદિરની સામેથી કાઢવાનું ટાળવામાં આવ્યું હતું. તેમને પાલખીમાં લતા મંગેશકર ચોકથી સરયૂ ઘાટ લઈ જવાયા હતા. ઘાટ પર અગાઉથી જ તૈયાર હોડીમાં તેમને સરયૂ નદીમાં લઈ જવાયા હતા અને એમાં તેમને જળને અર્પણ કરી દેવામાં આવ્યા હતા. આચાર્ય સત્યેન્દ્ર દાસનું બુધવારે નિધન થયું હતું. તેમને બ્રેઇન-હૅમરેજ થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.