અયોધ્યા મામલે 'સુનાવણીની ડેડલાઈન નક્કી'! નવેમ્બરમાં આવી શકે છે ચુકાદો

18 September, 2019 12:32 PM IST  |  દિલ્હી

અયોધ્યા મામલે 'સુનાવણીની ડેડલાઈન નક્કી'! નવેમ્બરમાં આવી શકે છે ચુકાદો

અયોધ્યા જમીન વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટે બુધવારે સ્પષ્ટતા કરી છે કે હવે મધ્યસ્થાની કોશિશને કારણે સુનાવણી અટકાવી નહીં શકાય. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ કહ્યું છે કે સુનાવણી પૂરી કરવાની અંદાજિત તારીખને આધારે અમે એટલું કહી શકીએ કે 18 ઓક્ટોબર સુધીમાં ચર્ચા પૂરી થઈ શકે છે. સાથે જ અદાલતે પક્ષકારોને મધ્યસ્થતા કરીને સમજૂતી કરવા છૂટ આપી છે. સાથે જ પહેલાની જેમ ગુપ્તતા જાળવવા પણ કહ્યું છે. આ ઉપરાંત કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે સુનાવણી ચાલુ રહેશે.

મંગળવારે 25મા દિવસે સુપ્રીમ કોર્ટે સુનાણી દરમિયાન ત્રણેય પક્ષને પૂછ્યું હતું કે,'ક્યાં સુધીમાં તમે ચર્ચા પૂરી કરી શક્શો તેની નિશ્ચિત તારીખ જણાવો જેથી કોર્ટ પાસે કેટલો સમય છે એ જાણી શકાય.' આ પહેલા મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને શુક્રવારે અદાલતમાં ચર્ચા અટકાવવા અપીલ કરી હતી.

હવે સુપ્રીમ કોર્ટના આ વલણ પરથી લાગી રહ્યું છે કે નવેમ્બર મહિનામાં આ કેસનો ચુકાદો આવી શકે છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ 17 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે તેમની નિવૃત્તિ પહેલા ચુકાદો આવે તેવી પણ શક્યતા છે. આ પહેલા મંગળવારે સુનાવણી દરમિયાન સુન્ની વક્ફ બોર્ડે કોર્ટના આકરા સવાલોનો સામનો કરવો પડ્યો હતો.

સુપ્રીમ કોર્ટે થાંભલા પર મૂર્તિઓ અને કમળની ઉત્પત્તિને લઈ સુન્ની વકફ બોર્ડને સવાલો પૂછ્યા હતા. સુપ્રીમ કોર્ટે સવાલ પૂછ્યો હતો કે ઈસ્લામ પ્રમાણે મસ્જિદમાં આવી કલાકૃતિ શક્ય છે ? શું કોઈ બીજી મસ્જિદમાં આવી કલાકૃતિ હોવાના પુરાવા છે ? કોર્ટે ધવન તરફથી રજૂ કરાયેલા ચાર ઈતિહાસકારોની વાત સ્વીકારવાની દલીલ પર કહ્યું હતું કે રિપોર્ટ સાક્ષી ન બની શકે, તે માત્ર કોઈનો મત છે.

આ પણ વાંચોઃ એક સમયે આવા લાગતા હતા વડાપ્રધાન મોદી, પોતે જ શૅર કર્યા ફોટોઝ

ઉલ્લેખનીય છે કે ઈરફાન હબીબ, સૂરજભાન, ડી. એન. ઝા અને એસ. કે. સહાયે 1991માં રિપોર્ટ આપ્યો હતો, જેમાં કહ્યું હતું કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હોવાનું સાબિત નથી થતું. હાઈકોર્ટે આ રિપોર્ટને સાક્ષી તરીકે નથી સ્વીકાર્યો, કારણ કે રિપોર્ટમાં ડી. એન. ઝાએ સહી નથી કરી. સુન્ની વક્ફ બોર્ડે આ રિપોર્ટ કોરર્ટમાં રજૂ કરી તેને સાક્ષી તરીકે સ્વીકારવા દલીલ કરી હતી. વકફ બોર્ડના વકીલ રાજીવ ધવને ચારેય ઈતિહાસકારોના રિપોર્ટ રજૂ કરીને કહ્યું હતું કે હાઈકોર્ટે સ્વીકાર નથી કર્યો, જે ખોટું છે.

ayodhya ayodhya verdict supreme court national news