અયોધ્યા કેસ : પશ્ચિમ બંગાળમાં બીજેપીને મોટો ફાયદો થવાની શક્યતા

12 November, 2019 01:15 PM IST  |  Kolkata

અયોધ્યા કેસ : પશ્ચિમ બંગાળમાં બીજેપીને મોટો ફાયદો થવાની શક્યતા

(જી.એન.એસ.) અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ બીજેપીનું પશ્ચિમ બંગાળમાં વજન વધશે એમ રાજ્યના બીજેપી યુનિટનાં સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્યમાં ૨૦૨૧માં વિધાનસભાની ચૂંટણી છે એમાં બીજેપીને લાભ થશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં રામમંદિર બાંધવાનો માર્ગ મોકળો થયો છે. લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ ૪૨ બેઠક પૈકી ૧૮ બેઠક જીતી હતી. રાષ્ટ્રવાદ અને જય શ્રીરામના નારાથી બેઠક વધુ મેળવી હતી. હવે રામમંદિર બાંધવાનો માર્ગ મોકળો થતાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીનું વજન વધશે. આસામમાં એનઆરસી યાદીમાંથી ઘણા હિન્દુનાં નામ રહી જતાં બીજેપી બૅકફુટ પર આવી ગયું હતું, પરંતુ અયોધ્યાના ચુકાદા બાદ ફરીથી જોરમાં આવ્યું છે.

રામમંદિરના મુદ્દે બીજેપીને ૧૯૯૦ના દાયકામાં લાભ મળ્યો હતો. રાજ્યમાં ૧૬ ટકા વોટ મેળવ્યા હતા. લોકસભામાં ૨૦૧૯માં ૪૦.૫ ટકા વોટ મેળવ્યા છે. ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં ટકાવારી વધશે એમ બીજેપીના સિનિયર નેતાએ જણાવ્યું હતું.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

બીજેપીના ચૂંટણીઢંઢેરામાં આપેલું વચન પાળ્યું છે. પશ્ચિમ બંગાળના બીજેપી પ્રમુખ દિલીપ ઘોષે કહ્યું હતું કે અયોધ્યા માટે બીજેપીની ત્રણ દાયકાની લડત સફળ થઈ છે અને જીતમાં પરિણમી છે. રામના મુદ્દે રાજકારણ કરવા માગતા નથી, પરંતુ બીજેપી અને સંઘ પરિવારની લડતની સફળતા જોતાં હિન્દુઓના મત બીજેપી તરફ વળશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મમતા બૅનરજીએ આવકાર આપ્યો નથી. મુસ્લિમ વોટ બૅન્કને નારાજ કરવા માગતા નથી એમ તેમણે કહ્યું હતું.

national news kolkata ayodhya