22 January, 2026 09:38 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર શ્રીનિવાસ વરખેડીએ વાલ્મીકિ રામાયણ (તત્ત્વદીપિકા ભાષ્ય સાથે)ની હસ્તપ્રત પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ ઍન્ડ લાઇબ્રેરીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચૅરમૅન નૃપેન્દ્ર મિશ્રાને ભેટ આપી હતી.
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં તૈયાર કરવામાં આવનારા રામકથા સંગ્રહાલયમાં મહર્ષિ વાલ્મીકિ દ્વારા રચિત રામાયણ પર આધારિત ૨૩૩ વર્ષ જૂના સંસ્કૃતમાં લખવામાં આવેલા રામાયણને રાખવામાં આવશે. આ વિશે સંસ્કૃતિ-મંત્રાલયે જણાવ્યું હતું કે ‘આ દુર્લભ પાંડુલિપિ મંગળવારે અયોધ્યાના રામકથા સંગ્રહાલયને ભેટ આપવામાં આવી હતી. મંત્રાલયે એને ઐતિહાસિક સાંસ્કૃતિક હસ્તાંતરણ ગણાવ્યું હતું.’
સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર શ્રીનિવાસ વરખેડીએ વાલ્મીકિ રામાયણ (તત્ત્વદીપિકા ભાષ્ય સાથે)ની હસ્તપ્રત પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ ઍન્ડ લાઇબ્રેરીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચૅરમૅન નૃપેન્દ્ર મિશ્રાને ભેટ આપી હતી.
સંસ્કૃતિ-મંત્રાલયે જણાવ્યું હતું કે ‘આ એક ઐતિહાસિક રીતે મહત્ત્વપૂર્ણ કૃતિ છે જે વિક્રમ સંવત ૧૮૪૯ (૧૭૯૨ AD)ની છે. એ રામાયણની એક દુર્લભ સચવાયેલી ગ્રંથપરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંગ્રહમાં દેવનાગરી સંસ્કૃતમાં મહાકાવ્યનાં પાંચ મુખ્ય પ્રકરણો બાલકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ અને યુદ્ધકાંડનો સમાવેશ કરવામાં આવ્યો છે.’
સંસ્કૃતિ-મંત્રાલયે જણાવ્યું હતું કે ‘આ ઐતિહાસિક કથા અને દાર્શનિક ઊંડાણને પ્રતિબિંબિત કરે છે. આ પાંડુલિપિ અગાઉ નવી દિલ્હીસ્થિત રાષ્ટ્રપતિભવનને ઉધાર આપવામાં આવી હતી. હવે એને અયોધ્યાસ્થિત આંતરરાષ્ટ્રીય રામકથા સંગ્રહાલયને કાયમી રૂપે ભેટમાં આપવામાં આવી છે.’
અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘આ મહત્ત્વપૂર્ણ પગલું રામાયણ વારસાના વૈશ્વિક કેન્દ્ર તરીકે સંગ્રહાલયના વિકાસને સમર્થન આપવા માટે છે. આ પગલું એની વ્યાપક જાહેર પહોંચ અને જાળવણી સુનિશ્ચિત કરશે.’
આ પ્રસંગે યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર શ્રીનિવાસ વરખેડીએ જણાવ્યું હતું કે ‘આ ભેટ વાલ્મીકિ રામાયણના ગહન જ્ઞાનને અમર બનાવે છે. એ પવિત્ર શહેર અયોધ્યામાં વિશ્વભરના વિદ્વાનો, ભક્તો અને મુલાકાતીઓ માટે સુલભ હશે.’
આ દરમ્યાન નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે અયોધ્યાના રામકથા સંગ્રહાલયમાં વાલ્મીકિ રામાયણની આ દુર્લભ હસ્તપ્રતનું દાન રામભક્તો અને અયોધ્યાના મંદિર સંકુલ માટે એક ઐતિહાસિક ક્ષણ છે.