જમ્મુ-કાશ્મીરમાં જૈશના બે આતંકવાદી ઝડપાયા

22 November, 2020 10:05 AM IST  |  Awantipora | Agency

જમ્મુ-કાશ્મીરમાં જૈશના બે આતંકવાદી ઝડપાયા

જૈશના વડા મસૂદ અઝહરનો ભાઈ અબ્દુલ રઉફ

પ્રતિબંધિત આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા બે આતંકવાદીઓની ધરપકડ કરાઈ હતી તેમ જ તેમની પાસેથી વાંધાજનક સામગ્રી કબજે કરવામાં આવી હતી એમ પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું.

પોલીસે જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા આ બે આતંકવાદીઓની ઓળખ બિલાલ અહમદ છોપાન અને મુર્લાસીન બશીર શેખ તરીકે કરવામાં આવી હતી, જેઓ અનુક્રમે વાગડ ત્રાલ અને ચાતલમ પમ્પોરના રહેવાસી હતા.

તપાસ દરમ્યાન જણાયું હતું કે પમ્પોર અને ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓને શસ્ત્રો અને દારૂગોળાની હેરફેર માટે ટ્રાન્સપોર્ટ પૂરું પાડવા ઉપરાંત આ બન્ને જણ આતંકવાદીઓને આશ્રયસ્થાન અને લોજિસ્ટિક સપોર્ટ પણ પૂરો પાડતા હતા. આ ઉપરાંત દેશની સંવેદનશીલ માહિતી જૈશ આતંકવાદી જૂથને પૂરી પાડવામાં પણ તેઓ સામેલ હોવાનું જણાયું હતું. આ બન્ને જણ પાસેથી વાંધાજનક સામગ્રી પણ મળી આવી હતી.

બન્ને આતંકવાદીઓ વિરુદ્ધ ત્રાલ અને પમ્પોરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

તમામને આત્મઘાતી હુમલાની તાલીમ આપવામાં આવી હતી

પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ)એ પુલવામા અટૅક જેવો હુમલો કરવાની કામગીરી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદને સોંપી હતી. એ માટે ચાર આતંકવાદીઓ નવેમ્બર મહિનાની ૧૮, ૧૯ તારીખોના ગાળામાં સરહદ પાર કરીને ભારતમાં ઘૂસી આવ્યા હતા. એ લોકો જમ્મુ સૅક્ટરના નગરોટા પાસે સલામતી દળો સાથે એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.

કેન્દ્ર સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે પુલવામા અટૅક જેવો હુમલો કરવાની કામગીરી આઇએસઆઇએ મૌલાના મસૂદ અઝહરના નેતૃત્વમાં ચાલતા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદને સોંપવામાં આવી હતી. એ અગાઉથી યોજનાબધ્ધ હુમલો પાર પાડવાની કામગીરી માટે મૌલાના મસૂદ અઝહરના ભાઈ અબ્દુલ રઉફ અસગરને પસંદ કરવામાં આવ્યા હતા. રઉફે એ યોજના પાર પાડવા માટે પાકિસ્તાનના શકરગઢ (ભારતની સરહદ નજીક) સ્થિત જૈશની છાવણીમાંથી ચાર જેહાદીઓને પસંદ કર્યા હતા. અબ્દુલ રઉફ અસગરના સાથી તરીકે જૈશમાં સિનિયર આતંકી કાઝી તર્રારને પસંદ કરવામાં આવ્યો હતો.

સરકારી સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે જૈશના વડા મથક બહાવલપુરમાં અબ્દુલ રઉફ અને કાઝી તર્રાર સાથે જૈશના ટૅરર નેટવર્કના આગેવાનો મૌલાના અબુ જુંદાલ અને મુફ્તી તૌસીફ ઉપરાંત પાકિસ્તાની લશ્કરની જાસૂસી સંસ્થા આઇએસઆઇના અધિકારીઓની મુલાકાત પણ યોજાઈ હતી. રઉફે પસંદ કરેલા ચાર આતંકવાદીઓને આત્મઘાતી હુમલાની તાલીમ આપવામાં આવી હતી.

ભારતે પાકિસ્તાનના રાજદૂતને બોલાવ્યા

જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક ચૂંટણીઓ પૂર્વે મોટા આતંકવાદી હુમલાનું પ્લાનિંગ પકડાતાં એ પ્રવૃત્તિ સામે વિરોધ નોંધાવવા ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના રાજદૂતને બોલાવ્યા હતા. નગરોટામાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચાર આતંકવાદીઓ દ્વારા ટ્રકમાં ભારે શસ્ત્રસરંજામ મોટા પ્રમાણમાં ટેરર અટૅકની પૂર્વ યોજનારૂપે લાવવામાં આવ્યો હોવાનું સલામતી દળો તથા તપાસ સંસ્થાઓએ જણાવ્યું હતું.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ‘નગરોટા એન્કાઉન્ટરને પગલે પ્રકાશિત ચોંકાવનારી હકીકતોના અનુસંધાનમાં વિરોધ નોંધાવવા પાકિસ્તાની હાઈ કમિશનના ચાર્જ દ અફેર્સને બોલાવવામાં આવ્યા હતા. નગરોટાની ઘટના હુમલાના પ્રયાસની પૂર્વ તૈયારી સૂચવે છે. સલામતી દળોની સતર્કતાને કારણે હુમલાની શક્યતા નાબૂદ કરી શકાઈ હતી. ભારત રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા અને આતંકવાદ સામે લડવાનાં આવશ્યક પગલાં લેવા પ્રત્યે પ્રતિબદ્ધ છે. પાકિસ્તાનના રાજદૂતને જણાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાને આતંકવાદીઓને આશ્રય અને તાલીમ આપીને અન્ય દેશો પર હુમલા કરવા માટે પીઠબળ અને માળખાકીય સુવિધાઓ આપવાની નીતિ ત્યજવી જોઈએ.’

jammu and kashmir jaish-e-mohammad national news terror attack pakistan pulwama district